જૂનાગઢ: પાછલા 24 કલાકથી કોનોકાર્પસ વનસ્પતિ ચર્ચાના કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યું છે. મૂળ અમેરિકાની આ વનસ્પતિ તેના ફાયદાને કારણે નહીં પરંતુ તેના ગેરફાયદાને કારણે આજે ચર્ચામાં સતત જોવા મળે છે. ભારતના વનસ્પતિશાસ્ત્રીઓ વર્ષો પૂર્વે આ વનસ્પતિને અમેરિકાથી આપણા દેશમાં લાવ્યા હતા. જેનો ઉપયોગ અમેરિકામાં મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તાર અને ત્યાં દરિયાઈ ખારાશ છે. તેવા વિસ્તારોમાં અમેરિકામાં આ વનસ્પતિનું વાવેતર કર્યું હતું. કોનોકાર્પસ આપણે ત્યાં બગીચા રેસ્ટોરન્ટ અને સુશોભનના કારણે પણ વાવેતર સતત વધ્યું છે. પરંતુ હવે આ વનસ્પતિના ગેરફાયદાને કારણે તે ચર્ચામાં જોવા મળી રહી છે.
"દરેક સુંદર દેખાતી ચીજ ઉપયોગી અને સારી ન પણ હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ કોનોકાર્પસ વનસ્પતિ છે. તે કોઈપણ વ્યક્તિના આરોગ્ય પર નકારાત્મક અસરો ઊભી કરવાની સાથે જમીનની તંદુરસ્તી અને ખાસ કરીને ભૂગર્ભ જળને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. અમેરિકાની આ વનસ્પતિ અત્યારે આપણે ત્યાં ગાર્ડનિંગના છોડ અને ફાર્મ હાઉસ કે કોઈ બાગ બગીચામાં વનસ્પતિની દીવાલ કરવા માટે બળોડા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ આ વનસ્પતિની નકારાત્મકતા અને ગેરફાયદાને કારણે તેનું વાવેતર ન કરવું જોઈએ" -વિભાકર જાની અધ્યાપક (વિજ્ઞાનના અધ્યાપક)
કોનોકાર્પસ ભૂગર્ભ જળ માટે ખતરો: કોનોકાર્પસ વનસ્પતિ જમીનમાં ખૂબ ઊંડે સુધી પોતાના મૂળ ફેલાવે છે. જેને કારણે આ વનસ્પતિ ભૂગર્ભ જળ માટે પ્રાણ ઘાતક માનવામાં આવે છે. કોઈપણ વનસ્પતિને જમીનનું બંધારણ જાળવી રાખવા અને ભૂગર્ભ જળમાં વધારો થાય તે માટે કરાતું હોય છે. પરંતુ કોનોકાર્પસ વનસ્પતિ જમીનની તંદુરસ્તી સાથે ભૂગર્ભ જળને ખતમ કરી નાખે તેટલી હદે હાનિકારક છે. પુના ઇન્સ્ટિટ્યૂટમાં કોનોકાર્પસ વનસ્પતિ પર થયેલા સંશોધનના અંતે તેની નકારાત્મક અસરોને કારણે હવે ગુજરાતના વન વિભાગે પણ તેમની નર્સરીમાં કોનોકાર્પસ વનસ્પતિના છોડનો ઉછેર નહીં કરવાની તાકીદ કરી છે.
માનવ આરોગ્ય માટે ખતરો: કોનોકાર્પસ વનસ્પતિમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ જોવા મળે છે. જેના પરાગરજ આજુબાજુના વિસ્તારમાં ફેલાતા હોય છે. જેને કારણે પરાગરજના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં સામાન્ય રીતે શરદી ઉધરસ અસ્થમા અને એલર્જી જેવા રોગો થવાની શક્યતા જોવા મળે છે. જેને કારણે પણ કોનોકાર્પસ વનસ્પતિ જમીનની સાથે મનુષ્યના આરોગ્ય માટે પણ નકારાત્મક અસરો ઊભી કરે છે. જેથી રાજ્યના વન વિભાગ એ કોનોકાર્પસ વનસ્પતિના વાવેતર અને તેના નિભાવ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો છે.