જામનગરઃ મહાપ્રભુજી બેઠક રોડ પરથી જીજે 1 પીપી-7176 નંબરની એક કાર પસાર થતા તેના ઉભી રાખી LCBએ તપાસ કરતા તેમાંથી ખોજાવાડમાં રહેતો અક્રમ ગફારભાઈ ઓડીયા, ઈમરાન મજીદભાઈ દરજાદા તથા રિઝવાન અયુબભાઈ ડોચકી નામના ત્રણ શખ્સ રૂપિયા 70 હજારની રોકડ તથા ૩ મોબાઈલ મળી આવ્યા હતા. તે તમામને LCB કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા આ શખ્સોને છેલ્લા અઢી વર્ષમાં જૂદાજૂદા નવ સ્થળેથી ચોરી કર્યાની અને ખાસ કરીને દૂકાનદારની નજર ચૂકવી કાઉન્ટરના ખાનામાંથી પૈસા તફડાવ્યાની કબૂલાત આપી હતી.
ત્રણેય શખ્સોએ કબૂલ્યા મુજબ ઈમરાન મજીદ, રિઝવાન અને આફ્રીદી કાદરભાઈ માડકીયાએ અઢી વર્ષ પહેલા ધોરાજીમાં સ્ટેશન રોડ પર જંતુનાશક દવાની એક દુકાનમાંથી રૂપિયા 79 હજાર અને કાગળોની ચોરી કરવા ઉપરાંત બે મહિના પહેલા નડિયાદમાં રિઝવાન, અક્રમ, ઈમરાન તથા અસરફ અબ્દુલરજાક સેતાએ હાર્ડવેરની એક દુકાનમાંથી સવા બે લાખની રોકડની ચોરી, મુંબઈના ભીવંડીમાં રેલવે સ્ટેશન રોડ પર કલરની એક દુકાનમાંથી રૂપિયા 31 હજારની રોકડની ચોરી, મુંબઈના મીરા રોડ પર કટલેરીની એક દુકાનમાંથી રૂપિયા 7,500ની રોકડ, મુંબઈના મસ્જિદ બંદર રોડ પર એક દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 26,500ની તફડંચી કર્યાની કબૂલાત આપી હતી.
રિઝવાન ડોચકી, ઈમરાન મકરાણી, અસરફ સેતા અને શકીલ વલીમામદ પીઠડીયાએ નવસારીથી આગળ ચીખલી ધોરીમાર્ગ પર એક દુકાનમાં ખાનામાંથી રૂપિયા 62 હજાર રોકડા ચોર્યાની, મહારાષ્ટ્રના માલેગાંવમાં ફરસાણની દુકાનમાંથી રૂપિયા 30 હજારની રોકડ ઉઠાવ્યાની, મહારાષ્ટ્રના ધુલીયામાં સાબુની દુકાનમાં કાઉન્ટરના ખાનામાંથી રૂપિયા 35 હજાર રોકડા અને ધુલીયા નજીકના એક ગામની સાઈકલના સ્પેરપાર્ટની દુકાનમાંથી રૂપિયા 16 હજાર રોકડા તફડાવ્યાની કબૂલાત આપી હતી.
LCBએ હાલમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી છે અને આફ્રીદી માડકીયા, અસરફ સેતા, સકીલ વલીમામદ નામના તેઓના ત્રણ સાગરીતની શોધ આરંભી છે.