જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય પ્રધાન મંડળના પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક તેમજ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ન આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કૃષિપ્રધાન આર.સી. ફળદુએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. તો સાથે જ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જી.જી. હોસ્પિટલ માટે પી.પી.ઇ કીટ અને હેન્ડગ્લોવ્ઝની માગણી કરી હતી તેમજ ખાનગી હોસ્પિટલો ચાલુ કરી જી.જી. હોસ્પિટલ પરના દર્દીઓના ધસારાને ઘટાડવા અંગે રજૂઆત કરી હતી.