વડોદરા: શહેરની આસપાસથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે વારંવાર મગરોના માનવી પરના હુમલાના બનાવો સામે આવતાં રહે છે. ત્યારે કોટલીથી માંગરોળ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે એક મહિલાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે ફોરેસ્ટ વિભાગ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે શોધખોળ હાથ ધરી હતી.
શ્રમજીવી મહિલાને મગર નદીમાં ખેંચી ગયો
વડોદરા શહેર નજીક કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખા દેતા હોય છે. અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો નદી કાંઠે વસવાટ કરતા હોય છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે એક આધેડ મહિલા મેકલીબેન ભિલાલા જેવો પશુ ચરાવતા હતા. તે સમય દરમિયાન એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને પરત લેવા નદી ક્રોસ કરવાં જતા તેઓને એકાએક મગર નદીમાં ખેંચી ગયો.
ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી
આ સમગ્ર બનાવની જાણ વડોદરા ફોરેસ્ટ વિભાગના થતા ફોરેસ્ટ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ મેળવી શોધખોળ આરંભી હતી. સમગ્ર ઘટના પાણીગેટ ફાયર વિભાગમાં કામ કરતાં સર સૈનિક સુરેશભાઈએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, આ 52 વર્ષીય આધેડ મહિલા ઢોર ચરાવવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી.
આ બનાવ અંગે અમને કોલ મળતા મોડી સાંજથી કામગીરી કરી રહ્યાં છીએ. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો છે. હાલ સ્થળ ઉપરથી ચંપલ અને કપડા મળી આવ્યા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર પાણીગેટ ફાયર વિભાગની ટીમ, ફોરેસ્ટ વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી શોધખોળ આરંભી હતી, પરંતુ ફાયર બ્રિગેડને હજી સુધી તેનો કોઈ પતો મળ્યો નથી. - સર સૈનિક સુરેશભાઈ, કર્મચારી, ફાયર વિભાગ