જામનગર : ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના લોકો માટે તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ભારે વરસાદથી ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં નુકસાન નોંધાયું છે. રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા આવા વિસ્તારમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 16 થી 18 સપ્ટેમ્બર સુધી મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ હતી. જેમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે.
ખેડૂતોને નુકસાન : આજરોજ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં જે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે ખેડૂતોને નુકસાન થયું તેના માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જોકે હાલ સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારમાં રિપોર્ટ જમા કરવામાં આવશે. ત્યારબાદ તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે.
સર્વેની કામગીરી : સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. જેના કારણે ભરૂચ અને વડોદરા સહિતના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. નર્મદા નદી કાંઠેના જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે આ ખેડૂતોને નુકસાનનું વળતર રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ કરી છે.
આર્થિક સહાયની જાહેરાત : પ્રાથમિક અહેવાલના આધારે રાજ્ય સરકારે તાત્કાલિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવી છે. બિનપિયત પાક હેક્ટર દીઠ રુ. 8500 અને પિયત પાકના નુકસાનમાં હેકટર દીઠ રુ. 25000ની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. બહુ વારસાઈ બગીચામાં નુકસાન પર 1 હેક્ટર દીઠ રુ. 37000 સહાય જાહેર કરી છે. યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી ચાલી રહી છે.