- 60 હજાર જેટલા યુવા મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરશે
- આમ આદમી પાર્ટીએ તમામ વોર્ડમાં નગરસેવકોને ઉભા રાખશે
- જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનો દબદબો
જામનગર : કોરોના મહામારીથી ચૂંટણીનો જે કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, હવે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે ત્યારે જામનગરમાં ચૂંટણી કમિશન દ્વારા યુવા મતદારોની મતદાર નોંધણી કાર્યક્રમ હાલ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી ચૂંટણી ઓફિસમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધુ ફોર્મ યુવા મતદારોના સબમિટ કરવામાં આવ્યા છે. જે મતદારો આગામી ચૂંટણીમાં પોતાનો પ્રથમ મત કરશે અને ભારતની લોકશાહી વધુ મજબૂત બને તે માટે આગળ આવશે.
જામનગરમાં ચૂંટણી કમિશનની ઓફિસમાં નોંધાયા 60 હજારથી વધુ નવા મતદારો
ETV BHARAT સાથેની વાતચીતમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મતદાર નોંધણી કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યો છે અને રોજ નવા મતદારો પોતાની નોંધણી કરાવી રહ્યા છે. ચૂંટણી કમિશનર ઓફિસમાં કુલ 55 હજાર જેટલા નવા મતદારોએ પોતાની મતદાર તરીકેની યાદીમાં નોંધણી કરાવી છે અને આ સિલસિલો હજૂ પણ ચાલુ રહેશે.
કોના તરફ રહેશે યુવાઓનો ઝુકાવ
- ભાજપના શહેર પ્રમુખ ડૉ. વિમલ બગસરાનો અભિપ્રાય
હાલ જામનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. જ્યારે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે સક્રિય પાર્ટી છે. તો આમ આદમી પાર્ટીનો પણ જામનગરમાં ઉદય થઈ રહ્યો છે. જોકે, ભાજપના શહેર પ્રમુખ વિમલ બગસરા જણાવી રહ્યા છે કે, મોટાભાગના યુવાનોમાં હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ યુવાનો નરેન્દ્ર ભાઈ મોદીને ધ્યાને રાખીને ભાજપ તરફી મતદાન કરશે.
- કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો અભિપ્રાય
આ અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા જણાવી રહ્યા છે કે, હાલ યુવાનો બેરોજગારી, મોંઘવારી તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે ખૂબ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. મોટાભાગની સરકારી નોકરીમાં પણ યુવકોએ ધરણા અને આંદોલન કરવા પડી રહ્યા છે. જેના કારણે ભાજપની યુવા માનસ પર નેગેટિવ અસર જોવા મળી રહી છે.
- પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીનો અભિપ્રાય
જ્યારે આ અંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી જણાવી રહ્યા છે કે, ભારત દેશ હાલ યુવા દેશ છે. ખાસ કરીને યુવાનો વધુમાં વધુ મતદાન કરીને ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે તે જરૂરી છે. જોકે, આજનો યુવાન ડિજિટલ ટેકનોલોજીને કારણે વધુ સ્માર્ટ બન્યો છે. મોટાભાગનું કામ પણ ડિજિટલ ટેકનોલોજીના મારફતે કરી રહ્યો છે. ત્યારે મતદાન નોંધણીમાં જામનગર જિલ્લામાં યુવાનો મતદાર નોંધણી કરાવી રહ્યા છે તે ખૂબ સારી વાત છે.
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનો દબદબો
ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 16 વોર્ડમાંથી કુલ 38 નગરસેવકોનો વિજય થયો હતો. જેમાં 10 પક્ષ પલટુ નગરસેવકો પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં કુલ 28 નગરસેવકોએ ચૂંટણીમાં જીત્યા હતા. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 16 વોર્ડમાં 64 નગરસેવકોને પોતાની પાર્ટીમાંથી ઉભા રાખશે તેવી જાહેરાત કરી છે.