- જામનગરના રણમલ તળાવમાં મોર્નિંગમાં ઉમટી રહ્યા છે લાખો લોકો
- સિનિયર સિટીઝન અને યુવકો ફૂલગુલાબી ઠંડીમાં કરે છે કસરત
- કસરત કરવાથી ઈમ્યુનિટી પાવર વધતું હોવાનું તારણ
જામનગર : શિયાળાની શરૂઆત થઇ રહી છે અને અત્યારથી જ રાજ્યના અનેક શહેરોમાં પણ ઠંડીનો પારો ખૂબ નીચો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા જામનગરમાં લોકો વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ કસરત કરવા પહોંચી જાય છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરેલ રણમલ તળાવ ખાતે ચાલવા માટે ખાસ ટ્રેક બનાવવામાં આવેલ છે. રણમલ તળાવનું વાતાવરણ આહલાદક હોવાથી લોકો મોટી સંખ્યામાં તળાવ ખાતે શારીરિક કસરત કરવા આવતા હોય છે.
રણમલ તળાવે કસરતના સાધનો તૂટેલી હાલતમાં
રણમલ તળાવ ખાતે કસરત કરવા આવતા લોકોએ કસરતના સાધનો ઘણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાની પણ ફરિયાદો કરી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા કસરતના સાધનોની પુરતી જાળવણી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.
લોકો પોતાના આરોગ્ય પ્રત્યે પણ વધુ સાવચેત બન્યા
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે. ત્યારે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે પણ વધુ સાવચેત બન્યા છે. ખાસ કરીને શિયાળાના સમયમાં વહેલી સવારે સિનિયર સિટીઝન અને યુવાનો મોટી સંખ્યામાં મોર્નિંગ તેમજ રનીંગ માટે લાખોટા તળાવ ખાતે આવી રહ્યા છે. ઈમ્યુનિટી પાવર એ કોરોના સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે લોકોએ વધુમાં વધુ શારીરિક કસરતો તરફ વળી રહ્યા છે. જેના કારણે રણમલ તળાવમાં મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળી રહ્યા છે.