- જામનગરના યુવાઓમાં વેક્સિનેશનને લઈને અનેરો ઉત્સાહ
- છેલ્લા પાંચ દિવસમાં 9,809 યુવાનોએ વેક્સિન લીધી
- જામનગર વેક્સિન લેવામાં સમગ્ર દેશમાં પ્રથમ
જામનગર : ગત તારીખ 1લી મેથી રાજ્યના 18થી 44 વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને જામનગરના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 18થી 44 વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેક્સિન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજિસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા. તો બીજી તરફ વેક્સિન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો : વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો
18થી 44 વર્ષના યુવાનોને વેક્સિન આપવાનો સરકારનો નિર્ણય આવકાર દાયક- પોસ્તરીયા તેજલ
જામનગરના કામદાર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી વેક્સિન લીધા બાદ 20 વર્ષીય પોસ્તરીયા તેજલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલી 18થી 44 વર્ષના યુવાનો માટેની વેક્સિનેશનની પહેલ ખુબ જ આવકારદાયક છે. મે અત્યારે વેકસીન લીધી છે અને મને તેની કોઈ જ આડઅસર થઈ નથી. આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેક્સિન લેવા આગળ આવે તે જરૂરી છે. આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ.
વેક્સિનેશનની તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરળ, દરેક નાગરિકે અવશ્ય વેક્સિન લેવી જોઇએ- દ્વષ્ટી પરમાર
દ્રષ્ટિ પરમાર નામના બીજા એક યુવાએ વેક્સિન લીધા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજિસ્ટ્રેશનથી લઇને વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઇ છે. સરળતાથી રજિસ્ટ્રેશન થઇ જાય છે, તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી મુક્ત કરવા દરેક નાગરિક અવશ્ય વેક્સિન લે તેવી અપીલ કરતા દ્રષ્ટિએ જણાવ્યું હતું કે, આની કોઇ જ આડઅસર નથી વેક્સિન એકદમ સુરક્ષિત છે.
આ પણ વાંચો : વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો
વેક્સિનથી કોરોના સામેનો જંગ જીતી શકાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15 આરોગ્ય કેન્દ્રો ખાતે 18થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. રજિસ્ટ્રેશનથી લઇ વેક્સિનેશન સુધીની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવાઈ છે. જેથી વધુમાં વધુ યુવાનો આ સુવિધાનો લાભ લઇ પોતાને કોરોના સામે સુરક્ષિત કરી રહ્યા છે અને તેથી જ જામનગરમાં પણ 1લી મે થી આજ દિન સુધીમાં 9,809 યુવાઓ સફળતાપૂર્વક પોતાનુ કોવિડ પ્રતિરોધક રસીકરણ કરાવવામાં સફળ રહ્યાં છે.