- બનાસકાંઠામાં તરછોડાયેલા ચાર હાથી જામનગર પહોંચ્યા
- હાથીને છોડીને જતા રહેનારા લોકોની તપાસ શરૂ કરાઈ
- ચારેય હાથીને વિશ્વના સૌથી મોટા ઝૂમાં રાખવામાં આવશે
જામનગરઃ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા શખસો હાથીના પગમાં સાકળ બાંધી ખુલ્લામાં છોડી ગયા હતા. જોકે, આ લાવારિસ હાથી અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. એટલે વન વિભાગે હાથીઓનો કબજો લીધો હતો. ચારેય હાથીને યોગ્ય જગ્યાએ ખસેડવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જોકે, ચારેય હાથીને ક્યાં સાચવવા એ સવાલ ઊભો થયો હતો. બાદમાં જામનગરમાં ચારેય હાથીને લાવવા વન વિભાગે કામગીરી શરૂ કરી હતી. સવારે 11 વાગ્યે તમામ ચાર હાથીને ટ્રકમાં જામનગર લઈ આવવામાં આવ્યા છે.
ચારેય હાથીને રિલાયન્સ ઝૂ ખસેડાયા
જામનગરમાં રિલાયન્સ દ્વારા ખાવડીમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય નિર્માણ પામી રહ્યું છે. આમાં તમામ ચાર હાથીને રાખવામાં આવશે. જોકે, અગાઉ જૂનાગઢથી લવાયેલા 12 જેટલા સિંહને પણ આ ઝૂમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વન વિભાગે બનાસકાંઠામાં હાથી તરછોડનારા શખસોની શોધખોળ શરૂ કરી
ચારેય હાથીઓને જામનગરમાં સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા બાદ વન વિભાગે હવે આ હાથીને કોણ છોડી ગયું છે તેમની તપાસ શરૂ કરી છે. જોકે, બનાસકાંઠામાં હાથીઓને છોડી દેનારા લોકો કોણ છે ક્યાંના છે તે તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.