જામનગર: હાર્ટ અટેકથી યુવા વર્ગમાં મૃત્યુનો સિલસિલો અવિરત ચાલુ છે. ગઇ મોડી સાંજે જામનગરના ફરસાણના અગ્રણી વેપારીના 24 વર્ષના યુવા પુત્રનું હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
છેલ્લા કેટલાક મહિનાથી ખાસ કરીને યુવા વર્ગમાં હૃદય રોગના ઘાતક હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. એક પછી એક નાની વયના યુવાનો મૃત્યુને ભેટતા ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણ નામની પેઢી ધરાવતા જાણીતા ફરસાણના વેપારી રસિકભાઈ પઢિયારના 24 વર્ષના યુવા પુત્ર સુમિતભાઇને ગઇ મોડી સાંજે એકાએક હદય રોગનો હુમલો આવી ગયો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઇ સાંજે સુમિતભાઇ પોતાની દુકાને હતા ત્યારે અચાનક ઢળી પડતા તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જો કે ત્યાં ફરજ પરના તબીબે દર્દીને તપાસીને મૃત્યુ થયાનું જાહેર કરતા વેપારી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે સમાચાર મળતાની સાથે જ મૃતકના પરિવાર અને મિત્ર વર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. માત્ર 24 વર્ષની વયના યુવાનનું હાર્ટ ફેઈલ થઈ જવાથી મૃત્યુ નીપજતાં શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી નાની વયે હૃદય બંધ પડી જવાના એક પછી એક બનાવો સામે આવી રહયા છે જેમાં વધુ એક યુવાનનો ભોગ લેવાતા ચિંતાની લાગણી જન્મી છે.