વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકાના ૩૫૦થી વધુ સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી તેમની પડતર માંગને લઈને હડતાલ કરી રહ્યા છે. વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ તેમની વર્ષો જૂની પડતર માગને લઈને અનેક વખત રજૂઆતો કરી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા અચોક્ક્સ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.
સફાઈ કામદારો તેમની પડતર માગો જેવી કે, નોકરીમાં કાયમી કરવા સાતમા પગાર પંચનો લાભ આપવો તેમજ તેમના વારસદારોને નોકરીમાં રાખવા જેવી માંગણીઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાલ કરી રહ્યા છે. સાથે જ તેમણે નગરપાલિકા પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આદેશ ન માન્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
વેરાવળ નગર પાલિકાના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ આ કર્મચારીઓની માગ યોગ્ય નથી કેમ કે, તે લોકો જે પ્રમાણેની માંગ કરી રહ્યા છે તે સરકારના હાથમાં છે અમારા નહીં. બાકી તો પાલિકા તરફથી જે સગવડો મળવી જોઇએ તે તમામ સગવડો કર્મચારીઓને આપીએ છીએ. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, તેમ છતાં આ લોકો હડતાલ ચાલુ રાખશે તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. જેની પ્રેસનોટ પણ જાહેર કરી દેવામાં આવી છે.