- તાલાલાના વાડલા ગામમાં સિંહોની ચડાઈ
- ગામ મધ્યે બે ગાયોનું મારણ કર્યુ
- ગામના રહેણાંક વિસ્તારમાં ઘૂસી મારણ કરતાં લોકો ગભરાયાં
ગીર સોમનાથઃ ગીર જંગલની બોર્ડરના ગામોમાં અવારનવાર સિંહો આવી ચડતાં જોવા મળે છે. દરમિયાન ગત મોડી રાત્રિના સમયે જંગલ બોર્ડર નજીક તાલાલા તાલુકાના વાડલા ગામના રહેણાંક વિસ્તારોમાં સિંહો ચડી આવ્યાં હતાં. ગામમાં રહેતા પશુપાલક વિશરામભાઇ બારૈયાના રહેણાંક મકાનની બાજુમાં તેમના વાડામાં ઘૂસી સિંહોએ બે ગાયો પર હુમલો કરી મારણ કર્યું હતું. વહેલી સવારે પશુપાલક ઉઠીને બહાર નિકળતા વાડાના દ્રશ્યો નિહાળી સ્તબ્ધ બની ગયાં હતાં. ઘટનાની જાણ સમગ્ર વાડલા ગામમાં થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ગામના આગેવાનો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જેતપુરના પીપળવા ગામે 6 સિંહો ત્રાટક્યા, 4 પશુનું કર્યું મારણ
સિંહો માટે જંગલમાં પૂરતા ખોરાકની વ્યવસ્થા કરો
જંગલના રાજા સિંહો વારંવાર ખોરાકની શોધમાં માનવ વસવાટવાળા વિસ્તારો સુધી પહોંચી રહ્યાં હોવાથી લોકોમાં ભયની લાગણી જોવા મળે છે. છેલ્લા બેએક માસ દરમિયાન જ તાલાલા પંથકના ગામોમાં સિંહો આવી ચડી પશુઓના મારણ કરી મિજબાની માણી હોવાની 4થી 5 ઘટના સામે આવી છે. ત્યારે જંગલના રાજા સિંહોને તેમના જંગલ વિસ્તારમાં જ પૂરતો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા થાય તો સિંહો માનવ વસવાટવાળા વિસ્તારમાં આવી ચડવાની ઘટના અંકુશમાં આવી શકે તેવી ગ્રામજનોમાં ચર્ચા થઇ રહી છે.
આ પણ વાંચોઃ ગીર ગઢડાના બેડીયામાં સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી