ગીર સોમનાથ ખાતે માર્ગદર્શન ભવનમાં ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને આરોગ્યશાખાના તબીબો માટે એક દીવસીય મિશન નિરામયા વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ અંતર્ગત માતૃઆરોગ્ય, બાળઆરોગ્ય, સંપૂર્ણ રસીકરણ, સગર્ભાવસ્થામાં પાંડુરોગ, પોષણ, ક્ષયરોગ, વાહકજન્ય રોગ અને બિન સંક્રામક રોગનાં નિયંત્રણ અને રોગોને ઘટાડવા માટે તબીબોને કલેક્ટર સહિતના મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્કશોપમાં વિશ્વભરમાં માતા પછી ડૉક્ટરને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે તબીબોએ વાણી, વર્તન અને વ્યવહાર લોકો સાથે ખુબ સારી રીતે કરી માયાળુ, સરળ અને નિખાલસ સ્વભાવ રાખવો જોઇએ, જેથી લોકો ડૉકટર સમક્ષ આવવાં હંમેશા માટે પ્રેરાઇ છે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ 1 જુલાઇથી 100 દિવસની અંદર કોડીનાર અને સુત્રાપાડા સહિત બે તાલુકાની પસંદગી કરી મિશન નિરામયા વર્કશોપ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. તેમજ ગીર-સોમનાથ જિલ્લામાં ડાયાબિટીશ, ટીબી, એચ.આઇ.વી. રોગના વાર્ષિક રીપોર્ટના આધારે કામગીરીનો અહેવાલ જિલ્લાના તમામ ડૉકટરોને સમજાવવામાં આવ્યા છે.
આ વર્કશોપમાં આરોગ્ય સંબંધિત તમામ અધિકારીઓ સહિત અંદાજીત જિલ્લામાંથી 100થી વધુ તબીબો સહભાગી થયા હતા. આમ, ગીરસોમનાથમાં આરોગ્યને લઈને તંત્ર દ્વારા નિરામયા પ્રોજેક્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે.