ગીર-સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બે માસના લોકડાઉનમાં બંધ રહ્યાં બાદ સંભવિત આગામી 1 જૂનથી ભાવિકો માટે ખૂલનાર છે. ત્યારે સોમનાથ મંદિર સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ના ભાલકા તીર્થ સહિત તમામ 40 મંદિરો ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવશે. ત્યારે સોમનાથ મંદિરમાં સરકારના સોશ્યિલ ડિસ્ટન્સના તમામ નિર્દેશોના પાલન માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સોમનાથ આવનાર ભાવિકોએ સોશ્યિલ ડીસ્ટન્સ માટેના સર્કલ, સેનેટાઈઝર, ફરજીયાત માસ્ક વગેરેનું પાલન કરવાનું રહેશે. તેમજ સોમનાથ મહાદેવની ત્રણ પ્રહરની આરતીઓમાં ભાવિકો ભાગ નહિ લઈ શકે અને આરતી માત્ર પૂજારી ગણ અને વાદ્ય વૃંદની હાજરીમાં થશે. ત્યારે સોમનાથ મંદિર સહિતના તમામ સ્થાનો પર સફાઇ કાર્ય અને સોશ્યિલ ડિસ્ટન્સના સર્કલ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
સોમનાથમાં સામાન મુકવાના લોકર રૂમ સામે, સોમનાથના પેહલા ચેકપોઇન્ટ અને મુખ્યદ્વારથી લઈ અંદર સુધી સોશ્યિલ ડિસ્ટન્સની રેખા કરી તેની આસપાસ ઝીગઝેગ શ્રેણીના સર્કલ બનાવવામાં આવ્યા છે. ત્યારે સોમનાથ મંદિર ખુલતાં જ લોકો મહાદેવને કોરોનાના સંકટમાંથી ભારત અને વિશ્વને તારવા માટે પ્રાર્થના કરવા અધીરા બન્યા છે.