- ગીરની સિદી જાતીના સૈનિક ઇમરાન સાયલી સરહદ પર વીરગતિને પ્રાપ્ત થયા
- અરુણાચલ પ્રદેશમાં થયા શહીદ
- શહીદ જવાનનો મૃતદેહ વતન લવાયો
ગીરસોમનાથઃ અરુણાચલ પ્રદેશમાં આર્મીમાં દેશની સીમાઓની રક્ષા કરતી વખતે શહીદ થયેલા તાલાલાના સિદી સમાજના ફોજી જવાન ઇમરાન સાયલીનો મૃતદેહ અરુણાચલથી માદરે વતન તાલાલા પહોંચ્યો હતો. જયાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સન્માન સાથે શહીદને વિદાય આપવામાં આવી હતી.
તાલાલા શહેરમાં રહેતા અને અરુણાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ વીર ઇમરાન ભાઈ કાળુભાઇ સાયલી નામના ફોજીની બોલેરો કાર અરુણાચલ પ્રદેશમાં ખાઈમાં પડવાના કારણે ફોજી જવાન શહીદ થયા છે. જેમનો મૃતદેહ હેલિકોપ્ટર મારફત પ્રથમ જૂનાગઢ અને ત્યાર બાદ બાઇરોડ માદરે વતન તાલાલા લાવવામાં આવ્યો હતો. શહીદ ઇમરાન સાયલીને તાલાલા વાસીઓ દ્વારા સન્માન આપી તેમના ઘરે મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
શહીદ વીર ઇમરાન સાયલીના પિતા કાળુભાઇ સાઈલોએ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારો દીકરો દેશની સુરક્ષા કરતો હતો અને તે શહીદ થયો છે. હજુ પણ દેશ માટે બલિદાન આપવા મારા દીકરાઓ તૈયાર છે. તાલાલા ખાતે શહીદ ફોજીની અંતિમયાત્રામાં મોટી સનખ્યામાં લોકો જોડાયા અને 'વન્દે માતરમ' તેમજ 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યાં હતાં.