- પસવાળા ગામમાં સિંહે બે સિંબબાળને ફાડી ખાધા
- ચેકડેમ પાસેથી બે સિંહબાળના મૃતદેહ મળ્યા
- વન વિભાગની ટીમે તપીસ હાથ ધરી
ગીર-સોમનાથ : ઊના તાલુકાના પસવાળા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહ યુગલન વસવાટ કરતો હતો. આજે સવારે માલણ નદી નજીક ચેકડેમ પાસેથી બે સિંહબાળના મૃતદેહ મળ્યા હતા. સિંહણ મૃતદેહની બાજુમાં બેઠી હોવાની જાણ વનવિભાગને થતાં જશાધાર વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંન્ને સિંહબાળના મૃતદેહનો કબ્જો લઇ તપાસ કરતાં તેના મોત ઇન્ફાઇટમાં થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
સંવનનમાં બંન્ને સિંહબાળ ખલેલ પહોંચાડતા હોવાથી સિંહે બંન્નેને ફાડી ખાધા
પસવાળા ગામની સીમમાંથી માલણ નદી પસાર થાય છે. નદીમાં ચેકડેમ બનાવવાનું કામ ચાલુ છે. આ વિસ્તારમાં ઘણા સમયથી સિંહ યુગલ અને તેના બે બચ્ચાંનો વસવાટ છે. વહેલી સવારે સિંહણ સાથે સંવનનમાં બંન્ને સિંહબાળ ખલેલ પહોંચાડતા હોવાથી સિંહે બંન્નેને ફાડી ખાધા હતા. ઘટના વખતે સિંહણ પણ સિંહનો મિજાજ પારખી ત્યાંથી દૂર ચાલી ગઇ હતી.
આ પણ વાંચો : ખાંભામાં ફાંસલા મૂકી સિંહ બાળના શિકાર મામલે પકડાયેલા 10 આરોપીના જામીન નામંજૂર
ડૂસકાંનો અવાજ માનસિંગ ભૂપત ગોહિલને આવતા વન વિભાગને જાણ કરી
સવારના સમયે સિંહણ બંન્ને સિંહબાળના મૃતદેહ પાસે બેસીને ડૂસકાં લેતી હતી. ડૂસકાંનો અવાજ થોડે દૂર વાડીમાં રહેતા માનસિંગ ભૂપત ગોહિલ આવ્યો હતો. તેઓ પોતાના ભાઇ સાથે અવાજની દિશામાં ગયા હતા. જ્યાં તેમણે સિંહબાળના મૃતદેહ પાસે રઘવાયી થયેલી સિંહણને જોઇ અચંબામાં પડી ગયા હતા. તુરંત જ તેમને વનવિભાગને જાણ કરી હતી.
આ પણ વાંચો : માતાથી વિખૂટા પડેલા સિંહ બાળનો રેસ્કયુ, આ રીતે આધુનિક એમ્બ્યુલન્સની લેવાઇ મદદ
સિંહણ રઘવાયી બન્યાનું વનતંત્રે જણાવ્યું
વનવિભાગ દ્વારા સિંહ કઇ દિશા તરફ ગયો, તેનું પણ સ્કેનિંગ હાથ ધરાયું છે. પોતાના વ્હાલસોયા બચ્ચાંને નજર સામે સિંહ દ્વારા ફાડી ખાધાનું દ્રશ્ય જોયું હોવાથી સિંહણ રઘવાયી બન્યાનું વનતંત્રે જણાવ્યું હતું. તે કોઇ માનવી પર હુમલો ન કરે તે માટે ઘટનાસ્થળે સ્ટાફને ખડેપગે રખાયો છે.
મૃત સિંહબાળના પગના 2 પંજા મળ્યા
સિંહ 4 માસના બંન્ને સિંહબાળને મારી તેના 6 પંજા પણ ખાઇ ગયો હતો. સ્થળ પરથી વનતંત્રને મૃત સિંહબાળના પગના 2 પંજા મળ્યા હતા અને તેમાં નખ પણ સહી સલામત હતા. આ ઇનફાઇટની ઘટના બાદ સિંહ ઘટનાસ્થળથી ચાલ્યો ગયો હતો.
સિંહણ સિંહબાળના અવશેષો પાસે બેસીને ડુસકાં ભરતી હતી
પસવાળાના માનસિંગ ગોહિલે જણાવ્યું હતું કે, 'સવારે સિંહણનો અવાજ સાંભળતા તે ચેકડેમ તરફ ગયો હતો અને ત્યાંનું દ્રશ્ય જોતાં અચંબામાં પડી ગયો. સિંહબાળના ફક્ત માથાં અને અવશેષો વેરવિખેર હતા. સિંહણ મૃતદેહો પાસે બેઠી હતી. આ જોઇને બીક લાગતા બાદમાં મેં વનવિભાગને જાણ કરી.'