- રસ્તા પરની ખુલ્લી કુંડીમાં વિદ્યાર્થી ખાબક્યો
- રાહદારીઓએ બહાર કાઢી હોસ્પિટલે સારવાર અપાવી
- બેદરકાર તંત્ર જાગે તેવી લોકોએ ઉઠાવી માંગ
ગીર સોમનાથ: તાલાલા ગીર શહેરમાં રહેતો અને ઘો.9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કેવલ ભરતભાઈ પરમાર (ઉ.વ.14) ગઇકાલે સાંજના સમયે શાળાએથી પરત આવી રહ્યો હતો ત્યારે પગ લપસતા ગટરના 20 ફૂટ ઉંડા ખુલ્લા ખાડામાં પડી ગયો હતો. વિદ્યાર્થી બાળક ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા ચીસ્સા ચીસ્સ કરવા લાગતા આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ વિદ્યાર્થીને કુંડીના ખાડામાંથી બહાર કાઢવા કામે લાગ્યા બાદ ભારે જહેમત બાદ અંતે વિદ્યાર્થી કેવલને હેમખેમ બહાર કાઢવામાં લોકો સફળ થયા હતા. જો કે વિદ્યાર્થી મોતના મુખમાંથી સદનસીબે બચી ગયો હતો. જેથી સૌ લોકોએ હાશકારો અનુભવી તાબડતોડ વિદ્યાર્થીને હોસ્પિટલે લઈ જઈને સારવાર અપાવી હતી.
રાહદારીઓ વારંવાર અકસ્માતનો બની રહ્યા છે ભોગ
તાલાલા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપરાંત શહેરની વિવિધ શેરી- ગલ્લીઓમાં ભૂગર્ભ ગટરની કુંડીનાં ઢાંકણા ઘણા સ્થળોએ તૂટેલા છે તો ઘણા સ્થળોએ રસ્તાથી ઉંચા છે જેના કારણે રાહદારીઓ વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
બેદરકાર તંત્ર જાગે તેવી લોક માંગ
શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કુંડીના ખુલ્લા તથા ઉંચા ઢાકણા રાહદારીઓ માટે મોતના કૂવા સમાન બન્યા છે ત્યારે જવાબદાર તંત્રના અઘિકારીઓએ ખુલ્લી કુંડીઓ તથા ઢાંકણાની સમસ્યાના નિકાલ માટે યોગ્ય મરામતની કામગીરી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. તો હાલ પાલીકાની ચુંટણીનો જંગ જામ્યો હોય જેમાં લોકસેવક બનવા આતુર 67 જેટલા મુરતીયાઓ મેદાનમાં છે જેઓ શહેરીજનોને કનડગતી ભૂગર્ભ ગટરની કુંડીની ગંભીર બની રહેલ સમસ્યાનું કંઇ રીતે નિવારણ લાવશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.