ગીર સોમનાથ: આઝાદીના સાત દાયકા વીત્યા બાદ પણ ગ્રામ્ય અને શહેરી સુવિધાઓમાં ભેદભાવ થતો દેખાય છે. સરકાર કોઈપણ હોય પરંતુ ગામડાઓ સાથે હંમેશા અન્યાય જ થતો આવ્યો છે. આજના સમયમાં પણ દેશના ઘણાખરા ગામમાં સામાન્ય સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને રસ્તાઓથી લોકો વંચિત છે.
આવી જ પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની પણ છે. સોમનાથને જોડતા બે મોટા નેશનલ હાઈવે તો પાસ થઈ ગયા પરંતુ જિલ્લાના અનેક એવા ગામો છે જ્યાં લોકો જંગલથી પણ બદતર રસ્તાઓનો નાછૂટકે ઉપયોગ કરી રહ્યા છે. રકારની વોટબેંક ગણાતો ખેડૂત આજદિન સુધી પોતાની વાડી-ખેતર સુધી પાકા રસ્તે નથી જઈ શક્યો કારણકે વાડી વિસ્તારોના રસ્તાઓ બાબતે ક્યારેય કોઇ સરકારે ગ્રાન્ટ કે કોઇ અસરકારક આયોજન કર્યું નથી.
![આઝાદીના 7 દાયકા બાદ પણ અહીંના ખેડૂતો સુધી નથી પહોંચ્યા રસ્તાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8884686_736_8884686_1600695770001.png)
ઈટીવી ભારત સમાજના તમામ વર્ગોની સમસ્યાઓને વાચા આપનારા માધ્યમ તરીકે ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નોની આ અહેવાલમાં રજૂઆત કરી છે. જે ગામડાઓ સાથે થઇ રહેલા અન્યાયની વાસ્તવિકતા છતી કરે છે.
અત્યારે વરસાદના મહિનાઓ બાદ ગીરસોમનાથ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોની હાલત ખૂબ જ બદતર બની છે અને તેમાં પણ વાડી વિસ્તારના રસ્તાઓનું કોઈ અસ્તિત્વ જ નથી બચ્યું. ગામડાઓ મોટેભાગે શહેર પર નભતા હોય છે પરંતુ ગામ અને શહેર સાથે જોડતા રસ્તાઓ ખાડાઓમાં સમાયા છે ત્યારે અકસ્માત કે જીવન મરણની પરિસ્થિતિમાં વ્યક્તિ હોસ્પિટલે પણ ન પહોંચી શકે તેવી આ ખરાબ હાલતના રસ્તાઓ આપણા દેશમાં ખેતી અને ખેડૂત ને અપાતું મહત્વ ચોક્કસથી દર્શાવે છે.
![આઝાદીના 7 દાયકા બાદ પણ અહીંના ખેડૂતો સુધી નથી પહોંચ્યા રસ્તાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-etvspecialgraminrasta-7202746_21092020175556_2109f_1600691156_325.jpg)
હાલ ગામડાઓમાં વસતા લોકોની સરકાર પાસે એક જ ગુહાર છે કે ચૂંટણીઓના સમયમાં સરકાર જેટલી કાળજી તેમની વોટબેંકની રાખે છે તેટલી જ કાળજીથી ગામડાઓના રસ્તાઓ પણ બનાવી આપે.
- ગીર સોમનાથથી કૌશલ જોષીનો વિશેષ અહેવાલ