- 19 માર્ચથી સોમનાથ મંદિર દર્શન માટે બંધ કરાયું
- 8 જૂનના રોજ દર્શન માટે ખુલ્યા મંદિરના દ્વારા
- અનલોક પછીના 6 માસ વિતવા છતાં સોમનાથમાં છે મંદીનો માહોલ
ગીર સોમનાથ: સોમનાથ તીર્થના વેપારીઓ સાથે ETV ભારતે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, સોમનાથનો સૌથી મહત્વપૂર્ણ ગણાતો સમય એટલે શ્રાવણ માસ. પરંતુ ગત શ્રાવણ માસ પણ વેપારીઓની આશા પર પાણી ફેરવી ગયો. શ્રાવણ માસમાં દાદા સોમનાથના દરબારમાં એટલા શ્રદ્ધાળુઓ આવ્યા જ નહીં કે વેપાર થઈ શકે. ત્યારે વેપારીઓને ઘણા દિવસોમાં એક વખત વેપાર થાય છે. જેના કારણે દુકાનનું ભાડું કાઢવું પણ મુશ્કેલ સાબિત થાય છે. ત્યારે વેપારીઓ સરકાર પાસે મદદનો હાથ લંબાવી રહ્યા છે અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી રહ્યા છે કે કોરોનાની મહામારી કાબૂમાં આવે અને જનજીવન પૂર્વવત થાય તો અમારો ધંધો થાય.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓમાં ઘટાડો
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે જ્યારે ETV Bharatએ વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, કોરોના પહેલાના સામાન્ય દિવસોમાં રોજના 8થી 10 હજાર લોકો સોમનાથ મહાદેવના દર્શન કરતા રવિવાર અને રજાઓમાં આ આંકડો 25 હજાર આસપાસ પહોંચી જતો હતો, પરંતુ કોરોના લોકડાઉન અને અનલોક બાદ રોજના બેથી ત્રણ હજાર લોકો સોમનાથ મહાદેવના દર્શને આવે છે અને તહેવારો અને રવિવારમાં વધીને 8થી 10 હજાર લોકો સોમનાથ મહાદેવના દર્શન કરે છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા તમામ દિશાનિર્દેશને અનુસરીને દર્શનની વ્યવસ્થા કરાઈ છે. છતા પણ ક્યાકને ક્યાક યાત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. ત્યારે દેશભરમાંથી કોરોનાનો સેકન્ડ વેવ એક્ટીવ થવાના સમાચારો આવી રહ્યા છે, જેને જોઈને હજુ પણ પર્યટન ઉદ્યોગ આ મંદીમાંથી બહાર આવે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.