સોમનાથ : સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન અને લોકોની અનેક મનોકામના સિદ્ધ કરનાર કપર્દિ વિનાયક ગણેશજીને અતિપ્રિય એવા અથર્વશીર્ષ પાઠનું મહા અનુષ્ઠાન સોમનાથ દ્વારા કરવામાં આવ્યું છે. ભાદરવામાં આવતી ગણપતિ નવરાત્રી સુધી અથર્વશીર્ષ પાઠનું આયોજન થયું છે. જેમાં રાજ્યની સંસ્કૃતિ વિદ્યાલયના ઋષિકુમારો જોડાશે.
સોમનાથમાં થશે અથર્વશીર્ષ ગણપતિ પાઠ : મહા અનુષ્ઠાન હરિ અને હરની ભૂમિ એવા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્વયંભૂ બિરાજતા કપર્દિ વિનાયક ગણપતિ મહારાજના અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાનનું આયોજન શરૂ કરાયું છે.
139 જેટલા ઋષિકુમારો જોડાયા : સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શરૂ કરવામાં આવી રહેલા મહા અનુષ્ઠાન પાઠમાં રાજ્યની અલગ અલગ સંસ્કૃત વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા ગણપતિને પ્રિય એવા અથર્વશીર્ષ પાઠનું મહા અનુષ્ઠાન શરૂ કરાયું છે. જેમાં પ્રથમ દિવસે સોમનાથ પાઠશાળા અને સંસ્કૃતિ યુનિવર્સિટીના 139 જેટલા ઋષિકુમારો જોડાયા હતા અને ગણપતિને પ્રિય એવા અથર્વશીર્ષ મહા અનુષ્ઠાન પાઠની શરૂઆત કરી હતી.
પ્રત્યેક ચતુર્થીના દિવસે થશે મહા અનુષ્ઠાન પાઠ :સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાન પાઠનું આયોજન કરાયું છે. જે પ્રત્યેક ચતુર્થીના દિવસે કરવામાં આવશે મહા અનુષ્ઠાન પાઠ ભાદરવા મહિનામાં આવતી ગણપતિ નવરાત્રી સુધી પ્રત્યેક ચતુર્થીના દિવસે મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે કરવામાં આવશે.
સંસ્કૃત ભાષા પ્રસારનો હેતુ : અથર્વશીર્ષ મહા અનુષ્ઠાન પાઠનું આયોજન અન્ય વિદ્યાર્થી અને વાલીઓને સંસ્કૃત ભાષા પ્રત્યે આકર્ષિત કરી શકાય અને અન્ય વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે તેમનો પ્રવેશ મેળવે તેવા હેતુ સાથે કરવામાં આવ્યું છે. આજના પ્રથમ દિવસે 6,000 જેટલા ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન કરવામાં આવ્યા હતાં.