ગીર સોમનાથઃ આગામી 16 ઓક્ટોબર સોમવારથી સાસણ ગીર સફારી પાર્ક ફરી વખત ખુલવા જઈ રહ્યો છે. પ્રવાસીઓ ફરીવાર માણી શકશે સિંહ દર્શન. આ વખતે સાસણ સફારી પાર્ક દ્વારા પ્રવાસીઓ માટે અનેક નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેનાથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન એક આહલાદક અને રોમાંચક અનુભવ બની રહેશે.
ચોમાસામાં સફારી પાર્ક બંધઃ ચોમાસામાં ચાર મહિના માટે સિંહ દર્શન બંધ કરી દેવાય છે. સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રખાય છે. આ ચાર મહિના દરમિયાન સિંહોનો સંવવન કાળ હોય છે તેથી તેમની પ્રાયવસી ડિસ્ટર્બ ન થાય અને ચારે બાજુ પાણી તેમજ કાદવને લીધે સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. હવે વન વિભાગ આગામી 16મી ઓક્ટોબરે આ પાર્ક ફરીથી શરૂ કરી રહ્યો છે. ફરીથી શરુ થતા પાર્કમાં આ વખતે પ્રવાસીઓ માટે વિશિષ્ટ સવલતો ઊભી કરાઈ છે. જેથી સિંહ દર્શન પ્રવાસીઓ માટે આજીવન સંભારણું બની રહે.
ડિસેમ્બર સુધીનું બૂકિંગ પેકઃ સાસણ સફારી પાર્કમાં સહેલગાહ માટે ઓનલાઈન બૂકિંગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિના સુધીનું બૂકિંગ પેક થઈ ગયું છે. હજુ પણ પ્રવાસીઓ વધશે તેવી શક્યતાઓ વન વિભાગ સેવી રહ્યું છે. ગત વર્ષે અંદાજિત 8 લાખ જેટલા પ્રવાસીઓએ સાસણ, દેવડિયા, આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી.
સુવિધા સભર સફારી વ્હીકલ્સઃ આ વખતે સાસણ સફારી પાર્કમાં 100 જેટલા નવા સફારી વ્હીકલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સફારી વ્હીકલમાં 8 જેટલા પ્રવાસીઓ બેસી શકે છે. આ વ્હીકલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ સફારી વ્હીકલનો ચાર્જ રુ. 3500 રાખવામાં આવ્યો છે. દર વર્ષે સાસણ અને દેવડિયા સફારી પાર્કમાં પ્રતિ દિવસ 100 પરમિટ ઈશ્યૂ કરવામાં આવે છે. તેમજ રજાના દિવસે વધુ 30 એટલે કે કુલ 180 પરમિટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ પરમિટની સંખ્યા આ વખતે પણ યથાવત રાખવામાં આવશે.
સરકારની સ્ક્રેપ પોલિસી અંતર્ગત જે વાહનોની આવરદા પૂર્ણ થઈ ગઈ છે તેવી 100 જીપ્સીને સાસણ સફારી પાર્ક માંથી દૂર કરીને તેની જગ્યા પર નવી 100 જીપ્સી મુકવામાં આવી છે. આ જીપ્સીઓના માલિકો દ્વારા સાસણ સફારી પાર્કમાં વન વિભાગના સંપૂર્ણ દેખરેખ અને નિરીક્ષણ હેઠળ ચલાવવામાં આવે છે. પ્રવાસીઓની સાનુકૂળતાને ધ્યાને રાખીને આ વાહનમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે...ડૉ. આરાધના શાહુ (મુખ્ય વન સંરક્ષક, સાસણ સફારી પાર્ક)