ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ સટ્ટા બજારમાંથી આંગડીયા કર્મચારી સરમણ થેલામાં રૂપીયા 15 લાખ લઈ બાયપાસ પર એક વ્યક્તિને આપવા જતો હતો, રસ્તામાં દેવકાબ્રીજ પાસે થેલાની ચેઈન તૂટી જતાં તેમાંથી 5 લાખનું બંડલ રસ્તામાં પડી ગયેલ હતું. એ જ સમયે પાછળ બાઈકમાં આવી રહેલ ઈન્દ્રોઈ ગામના શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશ રાવલે પડતા રૂપીયા જોયા તેણે એ વ્યક્તીને અવાજ કર્યો પણ ન સંભળાયો. તેણે પૈસાનું બંડલ રસ્તા પરથી લઈ મુળ માલીક એવા સરમણને આપવા ટોલબુથ સુધી પીછો કર્યો પણ સરમણ ના મળ્યો.
બાદ મિત્રોને જણાવ્યુ કે આ પાંચ લાખ મારે મુળ માલીકને પરત કરવા છે. તે દરમ્યાન સરમણને પોતાના પાંચ લાખ પડી ગયાની જાણ થતા તેણે ક્રાઈમબ્રાંચને જાણ કરી સીસીટીવી વગેરે ચેક કર્યા પણ પૈસાનો પત્તો ન લાગ્યો, બીજા દિવસે સવારે પોલીસની મદદથી યોગેશ પાંચ લાખ રૂપિયા સાથે પોલીસ સ્ટેશને પહોચ્યો અને સરમણને ફોન કરી બોલાવ્યો અને તારા પાંચ લાખ મને મળ્યા છે. તે પરત લઈ જા..ફોન આવતાં જ સરમણ એસપી કચેરીએ પહોચ્યો અને ક્રાઈમબ્રાંચના નરેન્દ્ર પટાટ અને અજીતસિંહ પરમારની હાજરીમાં આ પૈસા મુળ માલીકને સુપ્રત કર્યા હતા. આમ કોરોનાની મંદી અને આર્થિક ભીંસની નકારાત્મક પરિસ્થિતિઓની વચ્ચે પણ જીવીત માનવતા ગીર સોમનાથમાં સ્પષ્ટ જોવા મળી હતી.