- વેરાવળના ગોવિંદપરા ગામે છકડો રીક્ષાની એક્સલ તુટી જતા અકસ્માત સર્જાયો
- રીક્ષામાં બેસેલા બે લોકો પૈકી એક વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું
- મૃતકના પિતા કાસમ ગોહેલે રીક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવી
વેરાવળ: ગોવિંદપરા ગામ પાસે વણાંકમાં છકડો રીક્ષાની એક્સલ તુટી જતા પલ્ટી ખાઇ જતા તેમાં બેસેલા બે લોકોને ઇજાઓ સાથે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રભાસ પાટણના વૃદ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કૌટુંબિક મરણ કામે જતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસ પાટણ ખાતે કનકાઇ મંદિરની બાજુમાં રહેતા દાદા ઇસ્માઇલ ગોહેલ સેમરવાવ ગામે તેમના કુટુંબિનું મરણ થયેલ હોવાથી છકડો રીક્ષા નં. GJ11Y3885માં બેસી સેમરવાવ ગામે જઇ રહેલા હતાં. તે સમયે છકડો રીક્ષામાં ગોવિંદપરા ગામ પાસે વણાંકમાં એક્સલ તુટી જતા પલ્ટી ખાઇ ગઈ હતી. આ અકસ્માતમાં દાદા ગોહેલ સહીતના અન્યોને ઇજાઓ સાથે ઇમરજન્સી સેવા 108 દ્વારા ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં દાદા ગોહેલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
અકસ્માત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગે મૃતકના પિતા કાસમ ગોહેલે રીક્ષા ચાલક ઇબ્રાહીમ કાલવાતની સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ PSI મારૂએ હાથ ધરેલ છે.