ગીર સોમનાથઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાના કારણે તાલાલા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તાલાલ પંથકમાં મંગળવારે અચાનક એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ આવતા તાલાલા માર્કેટ યાર્ડમાં હજારો કેસર કેરીના બોક્સ પલળતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે.
જો કે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થવાની સંભાવનાને લઈ તાલાળા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા તાલપત્રી પાલસ્ટિક સહિત સુવિધાઓ રાખતા મોટી નુકસાની થતા ટળી હતી અને ત્યારબાદ ફરી કેસર કેરીની હરાજી ચાલુ થઈ હતી. જો કે તાલાલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા કેરીઓ આંબા ઉપરથી ખરી પડતા કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમજ ઉનાળુ પાક તલ, મગ, અડદને પણ ભારે નુકસાન થયું છે.
![ગીરમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-kerinukshan-7202746_03062020140710_0306f_1591173430_529.jpg)
જો કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીની કઠણાઈ બેઠી હોઈ તેમ પહેલા પણ અનેક વાર કમોસમી વરસાદનો માર સહન કરી ચૂકેલી કેસર કેરી પર વધુ એકવાર નિસર્ગ વાવાઝોડાની અસરના કારણે ગીર પંથકના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે.
ગીરની કેસર કેરી 30 ટકાથી વધુ હાલ આંબા પર ઝૂલી રહી છે. ત્યારે આ કમોસમી વરસાદથી આ કેસર પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી અસર જોવા મળી રહી છે. લોકડાઉનના સમયે ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતા. કેસર કેરી પકવતા ખેડૂતોને અંતિમ દિવસોમાં લોકડાઉન ફળ્યું હોય તેમ લાગતું હતું. પરંતુ મંગળવારના નિસર્ગ વાવઝોડાને કારણે પડેલા વરસાદે હાલ ગીરના ખેડૂતોની હાલત બગાડી નાખી છે.