ગીર સોમનાથ : વૈશાખ મહિનાને લગ્નના મહિના તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે નવાબંદર વિસ્તારના એક માછીમારે તેમના પુત્રોના લગ્ન પ્રસંગે લગ્ન કંકોત્રી માછલીના રૂપમાં છપાવી છે. જે હાલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના ખારવા અને માછીમાર પરીવારમાં ખૂબ જ આવકાર પામી રહી છે.
શું છે સમગ્ર વાત : વૈશાખ મહિનાની શરૂઆતના દિવસોથી જ લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠતી હોય છે. આવા સમયે અવનવા પ્રકારે છાપીને તૈયાર કરવામાં આવતી લગ્નની કંકોત્રી ખૂબ જ પ્રશંસાને પાત્ર બનતી હોય છે, ત્યારે નવાબંદર વિસ્તારના એક ખારવા માછીમારે તેમના પુત્રોના લગ્ન પ્રસંગે લગ્ન કંકોત્રીને દરિયામાંથી મળી આવતી સૌથી કીમતી માછલી પાપલેટના રૂપમાં છપાવી છે. પ્રત્યેક માછીમાર તેના માછીમારી દરમિયાન પાપલેટ માછલી તેમની બોટમાં આવે તેવી અપેક્ષા રાખતા હોય છે, ત્યારે આજે નવા બંદરના માછીમાર રમેશભાઈ ચામુડીયાએ તેમના પુત્રોના લગ્નમાં આ પ્રકારે લગ્ન કંકોત્રી છપાવીને તેમના વ્યવસાયની સાથે દરિયામાં મળતી પાપલેટ નામની માછલીને ખૂબ જ મહત્વ આપ્યું છે.
પાપલેટ માછલીની આંતરરાષ્ટ્રીય માંગ : અરબી સમુદ્રમાં મોટા પ્રમાણમાં પાપલેટ માછલી મળી આવે છે. તેને સૌથી મોટી માંગ વિશ્વના તમામ બજારોમાં જોવા મળે છે, ત્યારે રમેશભાઈ ચામુંડિયા કે જેવો ખારવા સમાજમાંથી આવે છે અને માછીમારીના વ્યવસાય સાથે પાછલી ઘણી પેઢીઓથી સંકળાયેલા છે. તેમણે પાપલેટ માછલીને કંકોત્રીના સ્વરૂપમાં મહત્વ આપ્યું છે. મોટેભાગે ખારવા સમાજ અને માછીમારી સમાજનું જીવન નિર્વાહન સાગર ખેડુત દરમિયાન મળતી દરિયાઈ માછલીઓ પર ખૂબ જ નિર્ભર કરતું હોય છે, ત્યારે પોતાના વ્યવસાયની સાથે દરિયામાં મળતી કિંમતી પાપલેટ માછલીને પોતાના પુત્રોના લગ્ન પ્રસંગે કંકોત્રીનું રૂપ આપીને દરિયાઈ સંપત્તિની સાથે પાપલેટ માછલીને માંગલિક પ્રસંગોમાં મહત્વ આપ્યું છે. હાલ આ કંકોત્રી વેરાવળના ખારવા અને માછીમાર સમાજમાં ખૂબ જ આવકાર પામી રહી છે.