જૂનાગઢ/ગીરસોમનાથ: ગુજરાતના 80 માછીમારો અને તેના પરિવારો માટે દિવાળીનો તહેવાર મોટી ખુશખબરી લઈને આવ્યો છે, છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ પૈકી 80 જેટલા માછીમારો આવતીકાલે વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. જે સંભવત 12 તારીખ સુધીમાં વેરાવળ પહોંચશે, ત્યાંથી માછીમારોને તેમના પરિવારજનો સોંપવામાં આવશે. દિવાળીના તહેવારને અનુલક્ષીને માછીમારો વતન આવી રહ્યા છે, ત્યારે પ્રત્યેક માછીમારના પરિવારમાં દિવાળીની ખુશી જોવા મળી રહી છે.
પાક જેલમાંથી મુક્ત થશે 80 માછીમારો: છેલ્લાં કેટલાક વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોની મુક્તિના સમાચાર મળી રહ્યા છે, પાકિસ્તાનની જેલમાં બંધ 80 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આવતી કાલ સુધીમાં પાકિસ્તાનની જેલ માંથી મુક્ત થયેલા 80 માછીમારો વાઘા બોર્ડર પર ભારતીય સૈન્યને સૌંપી દેવામાં આવશે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા બે દેશો વચ્ચે કેદીઓની આદાન-પ્રદાનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભારતીય અધિકારીઓને તમામ 80 માછીમારો સોપવામાં આવશે. અહીંથી ભારતના અધિકારીઓ દ્વારા તમામ માછીમારોને અમૃતસરથી બરોડા સુધી ટ્રેન અને ત્યાંથી વાહન માર્ગે વેરાવળ બંદર પર પહોંચાડવામાં આવશે.
માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ: ભારતના 80 માછીમારો કે, જે 10 મી તારીખે મુક્ત થવા જઈ રહ્યા છે, આ તમામ 80 માછીમારો ગત જુલાઈ માસમાં મુક્ત થવાના હતા. પરંતુ બે દેશો વચ્ચેની કાયદાકીય પ્રક્રિયા અને પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને પાકિસ્તાની કોર્ટ દ્વારા મુક્ત કરવાનો આદેશ કરવામાં વિલંબ થતા 80 માછીમારોની મુક્તિ ત્રણ મહિના કરતાં વધુ સમય માટે પાછી ઠેલાઈ હતી. પરંતુ હવે જ્યારે આવતી કાલે તમામ માછીમારો મુક્ત થઈને આવી રહ્યા છે ત્યારે દિવાળીના સમયે માછીમારોની સાથે માછીમારોના પરિવારોમાં પણ બેવડી ખુશી જોવા મળી રહી છે. છેલ્લાં ત્રણ મહિનાથી મુક્તિની રાહમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારો આવતીકાલે ભારતમાં મુક્તિનો અહેસાસ કરશે અને દિવાળીનો તહેવાર તેમના પરિવાર સાથે ઉજવતા જોવા મળશે.
હજી પણ 100 થી વધુ માછીમારો કેદ: માછીમારોની સમસ્યા અને તેની મુક્તિ માટે સમુદ્ર સુરક્ષા માછીમાર સંઘના અગ્રણી બાલુભાઈ સોસા એ ઈટીવી ભારતને ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, 80 માછીમારો મુક્ત થઈ રહ્યા છે, તે ખુશીની વાત છે, પરંતુ હજુ પણ ભારતના 100 કરતા વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં આજે પણ બંધ છે. ત્યારે આ તમામ માછીમારોને ખૂબ ઓછા સમયમાં બંને દેશોની સરકાર કાયદાકી પ્રક્રિયા પૂર્ણ કરીને તુરંત મુક્ત કરે તેવી માંગ કરી હતી.