ગીર સોમનાથ: ગુજરાતનું ગૌરવ ગણાતા પવિત્ર યાત્રાધામ સોમનાથમાં સામાન્ય દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થતા હોય છે, શોપિંગ સેન્ટરની દુકાનોમાં પૂજાપો, મૂર્તિઓ વગેરે ખરીદવા માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે આ શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ કારમી મંદીનો સામનો કરી રહ્યા છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કહેરથી સૌ કોઈ પરેશાન છે, મોટા ઉદ્યોગકારોથી લઇને નાના ધંધાર્થીઓ સુધી, સૌ કોઈ કોરોનાના કારણે આર્થિક સંકડામણ ઝેલી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શોપિંગ મોલમાં દુકાનો ભાડે રાખી ધંધા-રોજગાર ચલાવતા ધંધાર્થીઓ પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે.
અનલોકમાં સોમનાથમાં દર્શનાર્થીઓ તો ધટ્યા પરંતુ તેની સાથે સાથે વેપારીઓની આજીવિકા પણ છીનવાઇ ગઇ. આ શોપિંગ સેન્ટરના 120થી વધુ વેપારીઓ છેલ્લા 6 મહિનાથી માલ ન વેચાતા ઘર ચલાવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે.
જો કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માનવતા દર્શાવી વેપારીઓને માસિક ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ લોકોની ગેરહાજરીને કારણે વેપારીઓને 5-7 દિવસે માંડ માંડ 50 રૂપિયાનો વકરો થાય છે. ઉપરાંત લાઈટ બીલ, સફાઈ, વગેરે ખર્ચા માટે પૈસા ક્યાંથી લાવવા તે પણ એક મોટો પ્રશ્ન છે. જો આગામી દિવસોમાં આ દુકાનો ધમધમતી નહિ થાય તો અનેક લોકોને અન્ય વ્યવસાય તરફ વળવું પડશે. ધંધા બદલવા પડશે.
- ગીર સોમનાથથી કૌશલ જોષીનો વિશેષ અહેવાલ