ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીરની મધ્યમાં આવેલો હિરણ-1 (કમલેશ્વર) ડેમ આ સીઝનમાં ગીરમાં થયેલા મૂશળધાર વરસાદને કારણે પૂર્ણ સપાટીએ ભરાયો છે. જંગલની મધ્યે આવેલ કમલેશ્વર ડેમના મનોહર આકાશી દ્રશ્યો દિવસ સુધારી દે એવા છે.
ગીર-સોમનાથ જિલ્લાની અંદર ગીરની મધ્યમાં આવેલો હિરણ-1 (કમલેશ્વર) ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. જૂની શૈલીએ બાંધવામાં આવેલો આ ડેમ નવાબીકાળનો માનવામાં આવે છે, ત્યારે આ ડેમને બે તરફથી ગીરનો પહાડી પ્રદેશ અને એક તરફ પાળો બાંધીને રચાયો છે. જે પૂર્ણ સપાટીએ ભરાતાં પાણીના વાસણ જેમ છલકાય છે, ત્યારે પ્રથમવાર આ ડેમના ડ્રોનની નજરેથી લેવાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે, જે ગીરની સુંદરતાને ઉજાગર કરે છે.
પ્રકૃતિના ખોળે જંગલની વચ્ચે આવેલો આ ડેમ વન્ય પ્રાણીઓ જેવા કે એશિયાટિક સિંહો, સાસણના અલભ્ય ગીધ તેમ જ હજારો જાતના પક્ષીઓ અને સરીસૃપો અને ગીરની વનરાઇ માટે જીવાદોરી ગણાય છે.