ગીર સોમનાથઃ દેશનાં 74મા આઝાદી પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટર અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટરે ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા.
આ પ્રસંગે કલેકટર અજય પ્રકાશે આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લાના લોકોને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે. ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરે દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન આપણને પ્રેરણા આપે છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કોરોના વાઈરસની મહામારીમા જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો અને વહીવટી તંત્રના કર્મયોગી કોરોના વોરિર્યસને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું.
આ તકે કેન્દ્રસરકારની કોવિડ-19ની સાવચેતીની ગાઈડ લાઈન મુબજ ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.