ગીર સોમનાથ: મૃતક માછીમાર જગદીશ બાભણીયા પોરબંદરની બોટ દ્વારા મહા કેદારનાથમાં માછીમારી કરી રહ્યા હતા. આ બોટનો રજિસ્ટ્રેશન નંબર IND-GJ-25-MM-5524 છે. જેના માલિક પોરબંદરના ક્રિષ્નાબેન મોતીવરસ છે. પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ વર્ષ 2022ની 18મી ફેબ્રુઆરીના રોજ જગદીશ બાંભણિયાનું બોટ સહિત અપહરણ કર્યુ હતું. માછીમારને કરાંચીની જેલમાં મોકલાયો હતો. જ્યાં તેનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થયું છે. પાકિસ્તાન દ્વારા માછીમારના મૃત્યુને લઈ કોઈ ખુલાસો ભારત સરકારને મોકલવામાં આવ્યો નથી.
ગુજરાતના અધિકારીઓ માછીમારના મૃતદેહને લેવા માટે વાઘા બોર્ડર પહોંચી ગયા છે પરંતુ પાકિસ્તાની સત્તાધીશો દ્વારા હજૂ પણ ટેકનિકલ કામગીરી ચાલી રહી છે તેવું જણાવામાં આવ્યું છે. છેલ્લા 48 કલાકથી ભારતીય અધિકારીઓ વાઘા બોર્ડરે માછીમારના મૃતદેહ સ્વીકારવા માટે રાહ જોઈ રહ્યા છે. વિલંબ પાછળનું કારણ શું હોઈ શકે તે અત્યારે કહેવું મુશ્કેલ છે...નયન મકવાણા(ફિશરિઝ ઓફિસર, વેરાવળ)
48 કલાકથી વાઘા બોર્ડરે ભારતીય અધિકારીઓ રાહ જૂએ છેઃ બે દિવસ પૂર્વે ગુજરાત ફિશરિઝ વિભાગના અધિકારીઓ વાઘા બોર્ડરે માછીમારનો મૃતદેહ લેવા પહોંચી ગયા છે. કરાચી જેલ સત્તાધીશો મૃતદેહ સોંપવાની તારીખ અને સમય આપ્યા બાદ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. હજુ સુધી વાઘા બોર્ડરે રાહ જોતા ભારતીય અધિકારીઓને મૃતદેહ સોપવામાં આવ્યો નથી. ભારતીય અધિકારીઓએ મૃતદેહને કાર્ગો પ્લેન, પ્રાઈવેટ વ્હીકલ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેનમાં મોકલી આપવામાં આવે તો પણ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. ભારતે આ તૈયારી દર્શાવી હોવા છતાં કરાચી જેલ સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કરાંચી જેલના અધિકારીઓ અવળચંડાઈ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.