- ગીર સોમનાથ જિલ્લામાં હજી પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે
- જિલ્લામાં હજી પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા
- વેરાવળમાં માસ્ક વગર ફરતા 138 લોકો સામે ગુનો નોંધાયો
ગીર સોમનાથઃ વેરાવળ શહેરમાં બેકાબૂ બની રહેલા કોરોના સંક્રમણને અટકાવવા અંગે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં બેદરકારી દાખવતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી બેદરકારી દાખવવા બદલ દુકાનદારો, રિક્ષાચાલક સહિત 22 વ્યકિતઓ સામે શહેર પોલીસે જાહેરનામા ભંગના 22 જેટલા ગુનાઓ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં માસ્ક વગર હરતા ફરતા 138 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી 1.38 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલીસે 1.38 લાખ રૂપિયા વસૂલ્યા
આ અંગે વિગત આપતા સિટી PI ડી. ડી. પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જુદા જુદા વ્યવસાયની 20 દુકાનોના દુકાનદારો અને 2 રિક્ષાચાલકો સામે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા બદલ જાહેરનામા ભંગના 22 ગુનાઓ નોંધી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ત્રણ દિવસ દરમિયાન ડ્રાઈવ કરી શહેરમાં માસ્ક વગર ફરતા 138 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી 1.38 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
આ લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ
છેલ્લા ત્રણ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં સોશિયલ ડીસ્ટન્સના ભંગ બદલ જાહેરનામા ભંગના પોલીસ ચોપડે નોંધાયેલા 22 ગુનાઓ કયા દુકાનદારો સામે નોંધાયેલા છે, જેની વિગત મુજબ મારૂતિ ટિ ઝોન- હિતેશ ગોહેલ, રાજેશ સ્પોર્ટસ- ગૌરવ વરિયાણી, બોમ્બે સેલ્સ- સફીક ભરાડી, કિસ્મત પ્રોવિઝન- શાહરૂખ નુરમહમદ ચૌહાણ, ભવાની ફૂડ સેન્ટર- શામજી ચુડાસમા, વર્ઘમાન પ્રોવિઝન સ્ટોર- સમીર પીરોજાણીયા, ગંગા જમના પાન- પ્રેમજીભાઈ પાંજરી, ગરીબ નવાઝ કોલોનીમાં દુકાનદાર-રફીકભાઈ સલેત, રઝા બોર્ન બેબી - શબ્બીરભાઇ સલેત અને રિક્ષ નં. જી. જે. 32 યુ 23ના ચાલક હરેશ સંતાણી સહિતના બેદરકારી દાખવતા લોકો સામે ગુનાઓ નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ વઘી રહ્યું હોવા છતાં રાજય સરકારે જાહેર કરેલા અને કોરોનાથી બચી શકવા માટે જરૂરી એવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા બાબતે તંત્ર, સામાજિક આગેવાનોની વારંવારની અપીલો અંગે અમુક લોકો અને દુકાનદારો હજી બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે હવે તંત્રએ કાયદાકીય દંડો ઉગામવાનો શરૂ કર્યુ છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યા છે. લોકોએ સ્વયંશિસ્ત રીતે બંન્ને નિયમોનું પાલન કરવું રહેશે અન્યથા તંત્રની કાર્યવાહીનો ભોગ બનતા કોઈ બચાવી શકશે નહીં.