- જિલ્લાના સરકારી આંકડા અને ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિક કેસના આંકડામાં ભારે તફાવત
- આઠ દિવસ દરમિયાન તંત્રના ચોપડે કોરોનાના 63 કેસ નોંધાયેલા
- આજોઠા ગામામાં દસ દિવસ સુઘી સ્વૈચ્છિક લોકડાઉન કરાયુ
ગીર સોમનાથ : જિલ્લાના કોરોના કેસના સરકારી આંકડા અને ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિક કેસના આંકડામાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેર સહિત તાલુકા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન તંત્રના ચોપડે કોરોનાના 63 કેસ નોંધાયેલા છે. તેની સામે તાલુકાના 52માંથી 20 ગામમાં જ હાલ 180 કેસ હોવાનો સરપંચોએ સ્વીકાર કર્યો છે.
તાલુકાના 53 પૈકી 20 ગામોમાં કોરોનાનો કુલ 180 એક્ટિવ કેસ
કોરોનાની બીજી લહેરમાં રાજયના મહાનગરોમાં દરરોજ કોરોનાના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહયો છે. કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાય ચુકયુ હોવાની દહેશત જાણકારો વ્યકત કરી રહ્યા છે. ગીર સોમનાથના જિલ્લામથક વેરાવળ તાલુકાના 53 ગામના સરપંચોનો ટેલિફોનીક સંપર્ક કરી કોરોનાના કેસની વિગતો જાણતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તાલુકાના 53 પૈકી 20 ગામોમાં કોરોનાનો કુલ 180 એક્ટિવ કેસો હોવાનું જાણવા મળ્યું છે.
ગામના સરપંચો સાથે ટેલિફોનીક વાતથી કેસના આંકડા પુછેલા
તાલુકાના જુદા-જુદા ગામના સરપંચો સાથે ટેલિફોનીક વાત કરેલી હતી. જેમાં ગામડાઓમાં કોરોનાના કેટલા કેસો છે ? કેવી પરિસ્થિતિ છે ? તેવા સવાલો સરપંચોને પુછેલ હતા. જેમાં કેસોની જાણવા મળેલ સંખ્યા મુજબ તાલુકાના આજોઠા ગામમાં-25, બાદલપરા-25, પંડવા-22, માથાસુરીયા-15, વડોદરા (ડોડીયા)-13, ભાલપરા-13, ચમોડા-11, કિંદરવા-9, ઉંબા-3, ખેરાળી-6, ડાભોર-3, દેદા-1, ભેરાળા-3, વાવડી (આદ્રી)-5, સીમાર-8, સવની-4, સુપાસી-6, મીઠાપુર-5, આંબલીયાળા-2, સોનારીયામાં-1 કેસ હોવાનું સરપંચોએ જણાવ્યું છે.
આ પણ વાંચો : ખેડાના નડિયાદ અને કપડવંજમાં બપોરે 4 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન
પંડવાના ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
પંડવાના સરપંચ માલી જેસા બારડએ જણાવ્યું હતુ કે, કોરોનાના કહેરને ધ્યાનનેે લઇ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે. ગામમાં સવાર અને સાથે બે-બે કલાક દુકાનો ખુલી રહેશે. બાકીના સમયગાળામાં ગામ સંપૂર્ણ બંધ રહેશે. ગ્રામજનોને દુકાનો ખુલી રાખવાના સમયગાળામાં પોતાના કામો પતાવી લેવા સુચના આપવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા કોઇપણ ભોગે પ્રતિબંધો લગાવવા પડશે
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી રહ્યુ છે. તેને અટકાવવા બાબતે પણ ગ્રામજનો સર્તકતા દાખવવાનું શરૂ કરેલી હોવાનું અમુક સરપંચો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. સરપંચોના જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા બાબતે તબીબી નિષ્ણાંતો સાથે વાતચીત કરી તેમના મત મુજબ ગામોમાં જરૂરી પ્રતિબંધો લગાવવા, બહારના લોકોને પ્રવેશ ન આપવા જેવા પગલાઓ ભરવા આગળ વધી રહયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ કોઇપણ ભોગે અટકાવવા પ્રતિબંધો લગાવવા પડશે કે પગલા ભરવા પડશે તો તેમાં પીછેહઠ નહિ કરવાનો સુર સરપંચોએ વ્યકત કર્યો હતો.