સુરત: સુરતના કિમ રેલવે સ્ટેશન ખાતે વધુ એકવાર ટ્રેનમાં ખામી સર્જાઈ હતી. જેને લઇને રેલવે વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. આજે પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન સુરતના કિમ રેલવે સ્ટેશન ખાતે એન્જીનની બાજુનો લગેજ નો ડબ્બો રેલ્વેનાં પાટા ઉપરથી ઉતરી જતા ડાઉન લાઇન પરનો ટ્રેન વ્યવહાર લાંબા કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. ઘટનાનાં પગલે મુસાફરોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
દાદરથી પોરબંદર જતા સમયે બની દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નં.19015 પોતાનાં નિર્ધારીત સમયથી ડાઉન લાઇન પર સુરતથી નિકળી ભરૂચ તરફ જઇ રહી હતી. ત્યારે કિમ રેલ્વે સ્ટેશન પર પહોંચતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનાં એન્જિનની બાજુમાં જોડાયેલા નોન પેસેન્જર કોચનાં ચાર પૈડા ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. જોકે ગણતરીની મિનિટોમાં આકસ્મિક બનેલી ઘટનાનાં પગલે ટ્રેનમાં સવાર મુસાફરોને આંચકો લાગતા મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે પરીસ્થિતિ પામી ગયેલા સૌરાષ્ટ્ર એક્સપ્રેસનાં ચાલકે સમયસુચક્તા સાથે ટ્રેન થોભાવી દેતા એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ હતી.
ટ્રેનમાં સવાર મુસાફરો સુરક્ષિત
ઘટનાને લઇને રેલવેના ઉચ્ચ અધિકારીઓ કિમ રેલવે સ્ટેશન પર દોડી ગયા હતા. અને પાટા ઉપરથી ઉતરી ગયેલા ડબ્બાનું રિસ્ટોરેશન કામગીરીની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. રેલવેના વરીષ્ઠ અધિકારીઓનાં સીધા માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિ પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઉપરોક્ત કોચ ડિરેલમેન્ટનાં પગલે ડાઉન લાઇન પર આવતી અન્ય ટ્રેનોને જે તે સ્ટેશનો ૫૨ થોભાવી દેવામાં આવી હતી. તો આમ અઢી કલાકથી વધુ ડાઉન લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતા ઉપરોક્ત લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરો કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા. જોકે સમગ્ર ઘટના ક્રમમાં કોઇ મુસાફરો કે કર્મચારીઓને કોઇ ઇજા નહીં પહોંચતા રેલ સુત્રોએ રાહતનો દમ લીધો હતો.
રેલવેના DRMએ શું કહ્યું?
ત્યારે સ્થળ પર નિરીક્ષણ માટે ડિવિઝન રેલવે મેનેજર જીતેન્દ્ર સિંગ પણ પહોંચી ગયા હતા અને તેઓએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. DRM જીતેન્દ્ર સિંગએ જણાવ્યું હતું કે, ઘટનાને લઇને અમારી ટીમ કામે લાગી છે. કયા કારણોસર ટ્રેનના એક ડબ્બાના વ્હીલ નીચે ઉતર્યા એ તપાસ શરૂ છે. ક્ષતિગ્રસ્ત ડબ્બો છૂટો કરી ટ્રેનને રવાના કરાઈ છે.
આ પણ વાંચો: