ગીર સોમનાથમાં ગઈકાલ સાંજથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર જળબંબાકાર તો તાલાલા અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા તાલાલાની સરસ્વતી નદી છલકાય અને ફરી એક વખત તાલાલા, પ્રાંચી, વેરાવળ સહિતના રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ્પ રહ્યો હતો. આ સમગ્ર ક્હેરમાં તાલાલાના વાડલા ગામે કાર સાથે એક વ્યક્તિ તણાયો હતો તો ખેડૂતોના ખેતરોમાં નદીઓ જેવા દ્રષ્યો જોવા મળ્યા હતાં.
ગીર જંગલના ઉપરવાસમાં મુશળધાર વરસાદના કારણે કોડીનારનો સીંગોડા ડેમ, ઉનાનો રાવલ અને મચ્છુન્દ્રી, તાલાલાનો હિરણ 2 અને સાસણનો કમલેશ્વર ડેમ ઓવર ફ્લો થયા છે. શિંગોડા ડેમના દરવાજા ખોલતા અને ગીરમાં વધુ વરસાદના કારણે કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે કોડીનાર વેરાવળને જોડતા બ્રિજ પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
તાલાલાના ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકતા સરસ્વતી નદી ગાંડીતુર બની હતી, ત્યારે સુત્રાપાડાનું પ્રાચીતીર્થનું સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ગીર ગઢડા અને કોડીનારના જામવાળા ગીર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા સીંગોડા ડેમ ઓવર ફ્લો થતા તેના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. તો તાલાલાની સરસ્વતી નદી અને સોમેત નદીમાં ઘોડાપુર આવ્યા હતાં.