ગીર સોમનાથ: વડામથક વેરાવળની વિવાદિત દર્શન શાળાની માન્યતા રાજ્યના શિક્ષણ વિભાગે બીજી વખત રદ કરી છે. વેરાવળની દર્શન શાળાના સંચાલકો પર નગરપાલિકા દ્વારા બનાવટી સહી સિક્કા કર્યાનો પોલીસ કેસ પણ ચાલી રહ્યો છે.
વર્ષ 2014થી શરૂ થયેલા આ વિવાદમાં વર્ષ 2015માં આ શાળાની માન્યતા રદ થઈ હતી. પણ બાળકોના હિત માટે તેને હંગામી સમય સુધી શરૂ રાખવા માટે પરવાનગી મળી હતી. જયારે 6 વર્ષ બાદ ફરી એકવાર માન્યતા રદ થઈ છે. ત્યારે જોવુ રહેશે કે, કાયદાઓની બારીમાંથી આ શાળાના સંચાલક ફરી એક વાર બચીને નીકળી જશે કે કેમ?
હાલ તો, દર્શન શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને પરીક્ષા પૂર્ણ થયા બાદ હુકમની અમલવારી કરવા આવશે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું. વેરાવળમાં દર્શન શાળાની રાજ્ય સરકારે માન્યતા બીજી વખત રદ કર્યાના સમાચારના પગલે વેરાવળ સહિત જિલ્લાભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.