સોમનાથ : પાછલા દસ દિવસ કરતાં વધુ સમયથી સોમનાથ નજીક આવેલા સોમનાથ શોપિંગ સેન્ટરમાં કેટલીક મુશ્કેલીઓને કારણે વેપારીઓ આંદોલનના માર્ગે ઉતરતા તમામ દુકાનદારો દુકાન બંધ રાખીને આદોલન કરી રહ્યા છે. ત્યારે શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા મોહનગીરી ગૌસ્વામી મુશ્કેલીમાં ફસાયા છે. ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ તેમાં પણ પત્ની કેન્સર જેવી બીમારીગ્રસ્ત છે.ત્યારે પાછલા 15 દિવસથી દુકાનો બંધ રહેવાને કારણે ગૌસ્વામી પરિવાર આજે ખૂબ આર્થિક સંકડામણમાં જોવા મળે છે.
ઘરમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. આવી પરિસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ જૂના મંદિર તરફનો દરવાજો ભક્તોને બહાર નીકળવા માટે ખોલી નાખે તો સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓની રોજીરોટી ચાલી શકે. 120 વેપારીઓમાં સૌથી વધારે મુશ્કેલી ઉઠાવી રહ્યો છું. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. પત્નીની કેન્સરની દવામાં પણ પાછલા 15 દિવસથી ઘરમાં એક પણ પૈસાની આવક જોવા મળતી નથી. આવી પરિસ્થિતિમાં જીવન ખૂબ મુશ્કેલ બની રહ્યું છે... મોહનગીરી ગોસ્વામી(દુકાનદાર, સોમનાથ શોપિંગ સેન્ટર)
સોમનાથનો ગૌસ્વામી પરિવાર મુશ્કેલીમાં : પાછલા 15 દિવસથી સોમનાથ મંદિર નજીક આવેલું સોમનાથ શોપિંગ સેન્ટરનાં વેપારીઓએ દર્શનાર્થીઓને બહાર નીકળવાનો માર્ગ બંધ કરાતા તેમના ધંધા રોજગાર પર વિપરીત અસરો ઊભી થઈ હતી. જેના કારણે પાછલા 15 દિવસથી 120 જેટલા વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખીને આંદોલન કરી રહ્યા છે. તેમની માંગે છે કે શિવભક્તો મંદિરમાંથી દર્શન કરીને બહાર આવે છે તે જૂનો માર્ગ ખોલવામાં આવે. માર્ગ બંધ થતા શોપિંગ સેન્ટરના 120 જેટલા વેપારીઓને બેરોજગાર થવાનો સંભવિત ખતરો ઊભો થયો છે, જેના વિરોધમાં વેપારીઓ આંદોલન કરી રહ્યા છે.
કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર કરવી મુશ્કેલ : પાછલા પંદર દિવસથી આંદોલન કરી રહેલા 120 દુકાનદારોમાં મોહનગીરી ગોસ્વામીની પણ એક દુકાન છે. તેઓ શોપિંગ સેન્ટરમાં શંખ અને ઈમીટેશન જ્વેલરી અને ધર્મ સાથે જોડાયેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. જેમાંથી તેના સમગ્ર પરિવારનું ભરણપોષણ થાય છે. તેમની જે આવક થાય છે તેમાંથી તેઓ પોતાની પત્નીના કેન્સરની દવા માટેનો ખર્ચ પણ ઉપાડી રહ્યા હતા. પરંતુ પાછલા 15 દિવસથી દુકાન સદંતર બંધ રહેતા પત્નીની કેન્સરની દવા પણ કરવી હવે મુશ્કેલ બની રહ્યું છે. દર મહિને કરાવવામાં આવતો એમઆરઆઈ રિપોર્ટ પણ પૈસા નહીં હોવાને કારણે તેઓ આ વખતે કરાવી શક્યા નથી.