જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ બીજા નોંધપાત્ર વરસાદ માટે ઘણી રાહ જોયા બાદ મેઘરાજાનું આગમન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ આવતા નદી-નાળા અને વોકળા છલકાયા છે. ત્યારે ગીર પંથકમાં આવેલી સરસ્વતી નદીમા પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાચીતીર્થમાં બીરાજમાન સુપ્રસિદ્ધ માધવરાયજી ભગવાનનું મંદિર ચાલુ વર્ષમાં બીજી વખત પાણીમાં ગરકાવ થયું છે.
સુત્રાપાડાના પ્રાચીતિર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે. સરસ્વતિ નદીના કિનારે આવેલું પ્રાચીતિર્થ આશરે 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. પ્રાચીતિર્થમાં બિરાજમાન માધવરાય ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે. જેના કારણે દરવર્ષે ચતુર્માસ દરમિયાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બીરાજમાન હોય છે. તો જેમ જેમ વરસાદ વધશે તેમ માધવરાઈનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઈ જશે. જો કે એક સમયે માત્ર માધવરાઈ મંદિરનું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાયજી મંદિરના દર્શન નહીં કરી શકે. પરંતુ શ્રીકૃષ્ણની જળ ક્રીડાના દિવ્ય દ્રશ્યનો લ્હાવો અચૂક લઈ શકશે.