આ કેસની પુનઃ તપાસ અને સીબીઆઈ ઇન્કવાયરીની માગ સાથે કોડીનાર શહેરમા જિલ્લા ભરની મહિલાઓએ વિશાળ રેલી યોજીને આરોપીઓને ફાંસી આપવાની માગ કરી હતી. આ દ્રશ્યો છે, કોડીનાર શહેરના જ્યા મંગળવારના રોજ વિશાળ સંખ્યામાં મહિલાઓએ ન્યાયની માંગ સાથે રોષ પૂર્ણ રેલી યોજી હતી.
વર્ષ 2015માં કોડીનારના એક ગામેથી બીજા ગામ જવા નીકળેલી મહિલાને તેના જ ગામના ઇસમે લિફ્ટ આપી અને તેને બીજા ગામે લઈ જઈ અને તેમની સાથે 3 નરાધમોએ દુષ્કર્મ કર્યું હતું, જે બાદ એસિડ અને અન્ય જ્વલનશીલ પદાર્થો છાંટી અને તેમની આગ લગાવી હત્યા કરી હતી, થોડા દિવસ બાદ જ્યારે તેમની બળેલી હાલતમાં બીજા ગામના અવાવરું વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, કોડીનાર પોલીસે મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં એક પશુ ચિકિત્સક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા રોહિત કેશર, અતુલ ભગવાન અને જયેશ લક્ષ્મણ નામના ત્રણ લોકો પર આરોપ હતો, પરંતુ વર્ષ 2019માં તમામ આરોપીઓને કોર્ટ દ્વારા મુક્ત કરાયા છે, જેની પાછળનું કારણ પુરાવાનો અભાવ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય એ વાત પણ છે કે, ત્રણે આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં ગુનો પણ કબૂલ્યો હતો, પરંતુ કોર્ટમાં તે માન્ય ન ગણાયું. ત્યારે દેશની એક દીકરીને તો ન્યાય મળ્યો પણ દેશની બીજી દીકરી જે 4 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી, તેને કોર્ટ પુરાવાના અભાવે ન્યાય આપી શકી નહોતી.