ગીરસોમનાથ: રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને વિશેષ અધિકાર આપી ખાનગી હોસ્પિટલોને કોવીડ-19 હોસ્પિટલ બનાવી છે. જેના પગલે વેરાવળ ખાતે આદીત્ય બિરલા હોસ્પિટલને કોવીડ-૧૯ બનાવી છે. ગીર-સોમનાથ જીલ્લાના પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ કોવીડ-19 સરકારી હોસ્પિટલ અને આદીત્ય બિરલા કોવીડ-19 હોસ્પિટલની મુલાકાત લઇ અદ્યતન સાધન સુવિધાની માહિતી મેળવી હતી. તેમજ સર્કીટ હાઉસ વેરાવળ ખાતે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું. સરકાર અને આરોગ્ય તંત્રની વિશેષ કાળજીથી તૈયાર સરકારી હોસ્પિટલમાં 100 અને આદિત્ય બિરલા હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલની માળખાકીય સુવિધામાં કોરોના દર્દી માટે વેન્ટીલેટર્સ, ડિઝીટલ એક્સરે મશીન, પોર્ટેબલ એક્સરે વગેરે સતત કાર્યરત રાખવાની વ્યવસ્થા કરી છે.
ઉપરાંત સામાન્ય ફ્લુ અને ઓપીડી ચલાવવાં માટે પુરતા સાધનો અને દવાની પણ વ્યવસ્થા કરી છે. આ હોસ્પિટલને ખાસ કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરવા માટે વહીવટીતંત્રની સુચનાઓનો અમલ કરવામાં આવ્યો છે.