- તૌકતે ત્રાટકશે તો વેરાવળ બંદર પર 3 હજારથી વધુ બોટોની જળસમાધિ થવાની ભિતી
- બંદરમાં બોટો પાર્કિંગ કરવાની ક્ષમતા ઓછી
- માછીમાર સમાજમાં મોટી ચિંતાની લાગણી પ્રસરી
ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડા ત્રાટકવાની દહેશતના પગલે વેરાવળ બંદરના બારાના દરીયામાં લાંગરેલા 3 હજારથી વઘુ ફિશિંગ બોટો પર મોટું જોખમ ઉભું થયું છે. જેના પગલે માછીમાર સમાજમાં ભારે દહેશત જોવા મળી રહી છે. વેરાવળ બંદરના બારાના દરીયામાં રહેલી ફિશીંગ બોટો અને હોડીઓને કાંઠા પર ચડાવવા ક્રેઇનની મદદથી યુઘ્ઘના ધોરણે કામગીરી માછીમાર આગેવાનો દ્રારા હાથ ધરવામાં આવી છે. જો વાવાઝોડુ વેરાવળ બંદરના દરીયામાં હિટ કરશે તો ફિશીંગ બોટો અને હોડીઓ મોટાપ્રમાણમાં નેસ્ત નાબુદ શકયતાથી માછીમારોના જીવ તાવળે ચોંટી ગયા છે.
બોટો પાર્ક કરવાની જગ્યા ઘણી ઓછી હોવાથી માછીમારોએ નાછુટકે દરીયામાં બોટો લાંગરવી પડે છે
તૌકતે વાવાઝોડુ જેમ વેરાવળના દરીયાકાંઠા નજીક આવી રહ્યું છે. તેમ-તેમ અત્રેના દરીયામાં અસર વર્તાવવાનું શરૂ થયું હોય તેમ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરીયાના મહાકાય મોજાઓની થપાટ વેરાવળ બંદરની જેટ પર ટકરાતી જોવા મળે છે. આ પરિસ્થિતિના પગલે વેરાવળ બંદરમાં પાર્ક કરાયેલા તથા દરીયામાં લાંગરેલા ફિશિંગ બોટો-હોડીઓની સ્થિતિ જોખમ કારક બની છે. જે અંગે વેરાવળ ખારવા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે વાતચીતમાં જણાવ્યું કે, વેરાવળ બંદરમાં ફિશિંગ બોટો પાર્ક કરવાની જગ્યા ઘણી ઓછી હોવાથી માછીમારોએ નાછુટકે દરીયામાં બોટો લાંગરવી પડે છે.
આ પણ વાંચો: જામનગર દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર
પાર્કિંગની જગ્યાના અભાવે બોટો દરીયામાં જ લાંગરી દેવાની ફરજ પડી
બંદરમાં 4,800 જેટલી ફિશિંગ બોટો છે. જેની સામે 1,700 બોટો પાર્કિંગ થઇ શકે તેટલી જ ક્ષમતા છે. તંત્રની સુચનાથી તમામ બોટો છેલ્લા બે દિવસમાં પરત ફરી છે. જેના પગલે બંદરમાં 1,700 જેટલી બોટોને બંદરના કાંઠે જમીન પર સુરક્ષિત સ્થળે ચડાવી પાર્ક કરી દેવામાં આવી છે. જ્યારે બંદરના દરીયામાં 3,100 જેટલી ફિશિંગ બોટો પાર્કિંગની જગ્યાના અભાવે દરીયામાં જ લાંગરી દેવાની ફરજ પડી છે. જો તૌકતે વાવાઝોડુ વેરાવળ બંદરને હિટ કરશે તો ભગવાન ભરોસે દરીયામાં લાંગરેલા 3,100 બોટો નેસ્ત નાબુદ થઇ જવાની ભિતી સર્જાય છે.
આ પણ વાંચો: ચક્રવાત તૌકતેની સુરત પર અસર
હોડી બચાવવા માછીમારો કામે લાગ્યા
વધુમાં તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, બંદરમાં રહેલી એક હોડીની કિંમત રૂપિયા 6થી 7 લાખ થાય છે. જ્યારે ફિશિંગ બોટો રૂપિયા 35થી 40 લાખની થાય છે. આ બોટો-હોડીઓ માછીમારોની આજીવિકાનું એકમાત્ર સાધન છે. જેના પર જોખમ સર્જાયું હોવાથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે, આજે સાંજથી બંદરના દરીયામાં પાર્ક કરાયેલી નાની હોડીઓને કાંઠા પર જમીન પર સુરક્ષિત સ્થળોએ પાર્ક કરવા બે ક્રેઇનની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગયા વર્ષે આવેલા વાયુ વાવાઝોડા સમયે ફિશિંગ બોટો-હોડીઓને મોટું નુકશાન થયેલું
ઘણા વર્ષોથી વેરાવળ બંદરમાં ફિશિંગ બોટો-હોડીઓ કયાં પાર્ક કરવી તે સમસ્યા માછીમારોને સતાવી રહી છે. બંદરમાં પાર્કિંગની ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ બોટો-હોડીઓ હોવાથી મોટાભાગે બંદરના દરીયામાં કાંઠે જ લાંગરવાની ફરજ પડે છે. જેથી ગયા વર્ષે પણ આવેલા વાયુ વાવાઝોડા સમયે પણ બંદરના દરીયામાં ભગવાન ભરોસે મજબુરી વંશ પાર્ક કરાયેલી 20 જેટલી હોડીઓ નાશ પામી હતી અને 10 જેટલી ફિશિંગ બોટોને મોટું નુકશાન થયું હતું. જેના કારણે માછીમાર સમાજને મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડ્યું હતું. ગયા વર્ષના આર્થિક નુકશાન બાદ ફરી જો હાલ તૌકતે વાવાઝોડુ બંદરના દરીયાને હીટ કરશે અને બોટો-હોડીઓને નુકશાન થશે તો માછીમાર સમાજ પાયમાલ બની જવાની ભિતી મંડરાઇ રહી છે. જેના લીધે માછીમાર સમાજમાં મોટી ચિંતાની લાગણી પ્રસરી છે.