- સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન-પિંડદાન નહીં કરવા જાહેરનામું બહાર પડ્યું
- તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી સામસામે આવી જતાં ઉગ્ર બોલચાલીથી તંગદિલી
- તીર્થ પુરોહિતોએ કલેકટરને રૂબરૂ મળી જાહેરનામાની અમલવારી અટકાવવામાં માગણી કરી
- એનજીટીની સૂચનાથી ત્રિવેણી સંગમ વધુુ પ્રદૂષિત ન થાય તે હેતુસર જાહેરનામા અમલનો ખુલાસો કરાયો
સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ સોમનાથ ત્રિવેણી સંગમ તીર્થમાં વિવાદ સર્જાયો છે. પરંપરાગત અસ્થિ વિસર્જન અને પિંડદાન સહિતના મૃતકોની પાછળ થતાં વિધિવિધાન ત્રિવેણી સંગમમાં ન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એનજીટીની સૂચનાને પગલે સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા જાહેરનામા અમલની શરુઆત કરવામાં આવતાં મામલો ગરમાયો હતો. તીર્થ પુરોહિતોને ત્રિવેણી સંગમ સ્થળે અસ્થિ વિસર્જન-પિંડદાન વગેરે કરવા માટે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓએ અટકાવ્યાં હતાં જેને પગલે ભારે હોહા થઈ ગઇ હતી.
સોમપુરા બ્રહ્મસમાજ જરુર પડે ઉપવાસ આંદોલન કરશે
સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટે જણાવ્યું કે પિંડદાન અને અસ્થિ વિર્સજન કરવાથી કોઇપણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી. શાસ્ત્રો અને વિજ્ઞાન સિક્કાની એક બાજુ છે. પિંડએ જળચર માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અસ્થિમાંથી જળચર પ્રાણીને કેલ્શીયમ મળે છે. સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં શાસ્ત્રોકત વિધિથી પોતાના સ્વજનોના અસ્થિ વિર્સજન અને પિંડદાન કરાવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી અને પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહારી વાજપેયજી અને હાલમાં ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના નિધન બાદ અસ્થિ આ જ ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં પધરાવવામાં આવેલાં હતાં. દૂરદૂરથી મોટી સંખ્યામાં યાત્રિકો પોતાના સ્વજનોના અસ્થિ પધરાવવા અને પિંડદાન કરવા માટે સદીઓથી ત્રિવેણી સંગમ ઘાટે આવે છે. જેથી પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાની અમલવારી અટકાવવાની માગણી છે. જો માગણી સંતોષવામાં નહીં આવે તો નછૂટકે તીર્થ પુરોહિતોએ પરિવાર સાથે ત્રિવેણી સંગમના ઘાટ પર અનિશ્ચિત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.
સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા સ્પષ્ટતા
આ મામલે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા એક પત્રથી જણાવેલ કે પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીનું જળ ખૂબ જ પ્રદૂષિત છે. જેથી પગલાં લેવા માટે સૂચના આપી છે. જેથી ટ્રસ્ટે કલેકટરને વિનંતી કરી હતી. જેના આધારે કલેકટર દ્રારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હવેથી પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં ફૂલ, પુષ્પો, પૂજાપો, નાળીયેર, કપડાં કે અસ્થિનું વિર્સજન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે ત્રિવેણી ઘાટ પર કૂંડ મૂકવામાં આવ્યો છે. જેમાં લોકો અસ્થિનું વિર્સજન કરે તેવી અપીલ છે. આ બધું ફકતને ફકત પવિત્ર ત્રિવેણી નદી વઘુ પ્રદૂષિત ન બને તે માટે કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક તીર્થ પુરોહિતોની લાગણી દુભાવવાનો ટ્રસ્ટનો કોઇ આશય નથી.
આ પણ વાંચોઃ Dy CM નીતિન પટેલે ગીર સોમનાથની લીધી મુલાકાત, જુઓ શું બોલ્યા ડોક્ટર્સની હડતાળ પર?
આ પણ વાંચોઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવની આરતીના દર્શન