ગીર સોમનાથ: બિપરજોય વાવાઝોડાનો ખતરો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રકારે દરિયાઈ ચક્રાવાત સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ દ્વારકા ગામના ઘરોમાં દરિયાઈ પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. જેને લઈને ગામ લોકોમાં ભારે ચિંતામાં મળ્યા છે.
1982 બાદ સૌથી મોટી હોનારતનો ખતરો: બિપરજોય દરિયાઈ ચક્રવાત 1982માં આવેલા વાવાઝોડા કરતા પણ વધુ ભયાનક હોવાનો ડર મૂળ દ્વારકા ગામના લોકોને લાગી રહ્યો છે. વર્તમાન સમયમાં દરિયાનું જે રોદ્ર સ્વરૂપ જોવા મળે છે તે 1982ના ચક્રવાત સમયે પણ જોવા મળતું ન હતું. જેને લઈને ગામ લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. આગામી બે દિવસ હજુ પણ વાવાઝોડાના ખતરાને લઈને વાતાવરણ વધુ ચિંતિત બની શકે તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અત્યારે જ મૂળ દ્વારકા ગામમાં દરિયાનું પાણી ઘૂસી જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળે છે.
ચક્રવાતને લઈને લોકોમાં ચિંતાનો માહોલ: મૂળ દ્વારકા ગામના નિવાસીઓએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે રીતે વાવાઝોડાનો ખતરો જોવા મળે છે. તે વર્ષ 1982ના હોનારત કરતા પણ સૌથી વધારે ગંભીર હોવાનો માનવામાં આવે છે. જેને કારણે તેઓની ચિંતા ખૂબ જ વધી ગઈ છે. બે દિવસ પૂર્વે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પર સ્પર્શ નહીં કરે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે 48 કલાક બાદ વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગરકાંઠા પર ટકરાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે. જેને લઇને પાછલા 50 વર્ષથી મૂળ દ્વારકા ગામમાં રહેતા અને 1982ની હોનારત નજરે જોયેલા લોકો ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે વાવાઝોડું સૌથી ઓછો નુકસાન કરે તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે.