ગીર સોમનાથઃ જિલ્લામાં આ પ્રસંગે ગૌ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ડીન પ્રિન્સીપાલ પી એચ. ટાંકે જણાવ્યું કે, ગાય જનમાનસમાં ઉંડુ સ્થાન ધરાવે છે. આમ છતાં હજૂ પણ આપણે ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ યોજવા પડે છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ગૌશાળા શરૂ કરવામાં આવેલી છે. જેનો મુખ્ય હેતુ લોકોમાં ગૌ પાલન અને સંવર્ધન વધે અને આદર્શ ગૌ પાલન પદ્ધતિ વિકસે તે હેતુથી ગૌ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી-સેક્રેટરી પી.કે.લહેરીનાં માર્ગદર્શન હેઠળ ગૌસેવા સંરક્ષણ અને સંવર્ધન ચિંતન શિબિર-2020નું આયોજન સોમનાથ ટ્રસ્ટની ગૌ શાળા ખાતે કરવામાં આવેલું હતું.
આ કાર્યક્રમમાં 300થી વધુ ગૌ પાલકો ઉપસ્થિત રહ્યાં હતાં. ચિંતન શિબિર દરમિયાન ગૌ સંવર્ધન, વૈજ્ઞાનિક પદ્ધતિથી આહાર અને માવજત, ભારતનાં અર્થતંત્રમાં સ્વચ્છતા અને ગૌઉર્જાનો ફાળો, ગીર ગાય અને દેશી ગાયની ઓળખ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ઉપરોકત વિષય પર તજજ્ઞો અને અનુભવી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને ચિંતન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ ગૌ વિજ્ઞાન કથા તથા ગૌ સંવર્ધન અને તંદુરસ્તી હરીફાઈ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.