ગીર સોમનાથઃ ગીરનું હિર ગણાતી કેસર કેરીની રવિવારે તાલાલા ગીરમાં હરાજી શરૂ થઈ હતી. ત્યારે તાલાલાની પ્રખ્યાત કેસર કેરીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ રવિવારે તાલાલા યાર્ડમાં માત્ર 6થી 8 હજાર બોક્સ નિજ આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીમાં 40 ટકા ઓછી છે.
તાલાલા ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેરીઓમાં રાજા ગણાતી કેસર કેરીને પહેલા કમોસમી માવઠાઓ અને પછી લોકડાઉનનો માર સહન કરવો પડ્યો છે. અનેક સંકટોમાંથી પસાર થઈ કેસર કેરી તાલાલા મેંગોયાર્ડમાં પહોંચી હતી. પ્રતિકૂળ હવામાન અને ભારે પવન તથા લોકડાઉન બાદ કેરીના બગીચાઓની યોગ્ય સંભાળના અભાવે કેરીનો પાક પ્રતિવર્ષ કરતાં ઓછો થયો છે.
પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. 10 કિલો કેરીનો 200થી 600 રૂપિયા ભાવ બોલાયો હતો. મુખ્યપ્રધાને આદેશ આપ્યો હતો કે, કેસર કેરીના વાહનને કોઈ રોકશે નહીં. કેરીના વાહનને કોઈ ન રોકે તે માટે રાજ્યના કલેક્ટરો અને એસપીઓને આદેશ આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના શંકર ચૌધરીએ કેસર કેરીના વેચાણમાં સહભાગી થવા ખાતરી આપી છે.