- ઉના સુગર ફેક્ટરી કમ્પાઉન્ડમાં થશે યોજનાનું લોકાર્પણ
- બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાનું રૂપાણી કરશે લોકાર્પણ
- જિલ્લાના 109 ગામનાં ખેડૂતોને યોજના અંતર્ગત આવરી લેવાશે
ગીર સોમનાથઃ મુખ્યપ્રધાન રૂપાણી આજે બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના ઉના ખાતે આવી રહ્યા છે. અહીં જિલ્લાના 109 ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાની પરિયોજના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આવરી લઈને આજથી પસંદ કરાયેલા તમામ ગામના ખેડૂતોને દિવસ દરમિયાન ખેતીલાયક વીજપુરવઠો પુરો પાડવાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને પર્યટન પ્રધાન જવાહર ચાવડાની ઉપસ્થિતિ જોવા મળશે.
કિસાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાન કરી ચૂક્યા છે લોકાર્પણ
કિસાન સૂર્યોદય યોજનાનું ગત 24મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુનાગઢથી શુભારંભ કરાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં જિલ્લાના 143 ગામોને અગાઉ કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. હવે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના 75, ગીર ગઢડા તાલુકાના 21 અને કોડીનાર તાલુકાના 13 ગામો મળીને 109 ગામોને 62 ખેતી અને અન્ય ફિડરોમાંથી દિવસે વીજળી આપવાની પરિયોજના શરૂ થવા કરવામાં આવી છે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન રૂપાણી આજે કરવા જઈ રહ્યા છે.