સોમનાથ : પ્રભાસ તીર્થક્ષેત્રની ભૂમિને હરિ અને હરની ભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ છે. ત્યારે અહીં કૃષ્ણ દેહોત્સર્ગ ભાલકા તીર્થ પણ આવેલું છે. ધાર્મિક અને પ્રાચીન મહત્વ ધરાવતું ભાલકા સરોવરનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આગામી દિવસોમાં અહીં ધાર્મિક પર્યટન વિકસાવવાની દ્રષ્ટિએ નવનિર્માણનું કામ શરૂ થવા જઈ રહ્યું છે.
ભાલકા સરોવર વિકાસ રુપરેખા : વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયૂષ ફોફંડીએ ઈટીવી ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાલકા સરોવરનું આધુનિકીકરણ કરવા માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કામ શરૂ કરવાને લઈને પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં આ સ્થળમાં સુવિધાઓ ઊભી કરીને પર્યટકો માટે આકર્ષણ ખડું થાય તે પ્રકારે કામ કરવામાં આવશે. અહીં પર્યટન ક્ષેત્ર તરીકે વિકાસને લગતા કામ કરવામાં આવશે.
આ પણ વાંચો |
શ્રીકૃષ્ણ લીલા પ્રદર્શિત થશે : ભાલકા સરોવર ભગવાન શ્રીકૃષ્ણની લીલા અને તેંના પરલોકગમનનું સાક્ષી માનવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જે વિકાસ કાર્ય થવાના છે તેમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો મારફતે ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર સાથેની લીલાઓ પ્રદર્શિત કરવામાં આવશે.
બોટિંગ સાથે મનોરંજન : વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભાલકા સરોવરની સહેલગાહ કરવાનું આકર્ષણ પણ ઊભું કરવામાં આવશે. જેમાં લોકો બોટિંગની મનોરંજનનો લાભ મેળવી શકે તે માટે વિવિધ રાઈડ અને ફૂડ કોર્ટ બનાવવવામાં આવશે.
3થી 4 કરોડનો ખર્ચ : અમૃતમ યોજના હેઠળ ભાલકા તીર્થક્ષેત્રના તળાવનું 3થી 4 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવાની દિશામાં નગરપાલિકા આગળ વધી ચૂકી છે. આગામી દિવસોમાં ભાલકા સરોવરના બ્યુટીફિકેશનનું કામ શરૂ થશે. આપને જણાવીએ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.