- સિંહ બાળના શિકાર કરવાના પ્રયત્નની ઘટના આવી સામે
- એક એ ભુતકાળમાં સિંહ બાળની હત્યા કર્યાની કરી કબુલાત
- કોર્ટે આરોપીના ફગાવ્યા જામીન
ગીર સોમનાથ: ખાંભા ગામની સીમ વિસ્તારમાં ફાંસલા મુકી સિંહ બાળના શિકાર કરવાના પ્રયત્નની ઘટના સામે આવી હતી. જે અંગે વન વિભાગે રેડએલર્ટ જાહેર કરી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાંથી ચાલીસ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. તેઓની પુછપરછમાં જાણવા મળ્યું કે છેલ્લા થોડા સમયથી ખાંભા ગામના વિસ્તારમાં દંગા બનાવીને દેશી આર્યુવેદીક ઔષઘીઓનું વેંચાણ કરવાનું કામ કરતા હતા. એકબીજાના સહકારથી નાના વન્યપ્રાણીઓના શિકાર કરી પારંપરીક દવા, તેલ તથા સારવાર માટે ઔષઘીઓ બનાવવા માટે સાંડા, શિયાળ જેવા નાના વન્યપ્રાણીઓનો શિકાર કરતાં હોવાનું તપાસમાં બહાર આવેલું હતું.
આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર...
આ પ્રકરણમાં વન વિભાગે પકડેલા આરોપીઓમાં નુરજહા મનસુખ પરમાર (ઉં.વ.65), મણીબેન હબીબ પરમાર (ઉં.વ.55), અસમાલ શમશેર પરમાર (ઉં.વ.43), રાજેશ મનસુખ પરમાર (ઉં.વ.22), શમશેર ગુલાબ પરમાર (ઉં.વ.75), મનસુખ ગુલાબ પરમાર (ઉં.વ.73), માનસીંગ ગની પરમાર (ઉં.વ.28), અરવિંદ ગની પરમાર (ઉં.વ.21), ભીખા શમશેર પરમાર (ઉં.વ.55), હબીબ શમશેર પરમાર તમામને કોર્ટમાં રજુ કર્યા હતા. આ તમામ 10 આરોપીઓને સુત્રાપાડા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
ભૂતકાળમાં 1 સિંહ બાળને ફસાવી તેની હત્યાનો આરોપી ઝડપાયો
પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી જુનાગઢના ડુંગરપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળેલું હતું. તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ભૂતકાળમાં 1 સિંહ બાળને ફસાવી તેની હત્યા કરી હોવાની કબુલાત કરી છે. ઉપરોક્ત પૂછપરછના આધારે રેન્જ ફોરેસ્ટ ઑફિસર, ડુંગર દક્ષિણ રેન્જ, જુનાગઢે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિંહ બાળની હત્યામાં સંડોવાયેલા અન્ય શકમંદોની ધરપકડ કરવા તજવીજ હાથ ઘરી છે. કબુલાત આપનાર આરોપીને આગળની તપાસ અને પૂછપરછ માટે કોર્ટમાં રજુ કરતાં પાંચ દિવસના રિમાન્ડ પર સોપવામાં આવેલ હતો.