- કોડીનાર દેવળી (દેદાજી) ગામના ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત
- ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
- વાડીએથી પરત ફરતી વેળાએ ટ્રેક્ટર વીજપોલ સાથે અથડાયું
ગીર સોમનાથ : જિલ્લાના કોડીનારના દેવળી(દેદાજી) ગામના ખેડૂત વાડીએથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાતા તેમને ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ધોળાપીપળા પાસે બેફામ દોડતા ટેન્કરે ખેત મજૂરને અડફેટે લીધો
ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂત જેસિંગ ભગવાન મોરી ઉં.વ.48 બુધવારે બપોરે વાડીએ તેમનું ટ્રેક્ટર લઈને જતાં હતાં. તે દરમ્યાન કોડીનાર વેલણ રોડ પર કડોદરા ગામ નજીક ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા ઈલેક્ટ્રીક ટ્રાન્સર્ફોર્મરના થાંભલા સાથે અથડાતા તેમજ 11 કે.વી વિજપ્રવાહની લાઇન ટ્રેક્ટર પર પડતા જ ચાલક ખેડૂતનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ તેમના પરિવારજનોને અને દેવળીના ગ્રામજનોને થતા નાના એવા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: નવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના
પરિવારમાં કમાવવા વાળુ બીજું કોઈ નહીં
આ અંગે તેમના કુટુંબીક ભાઈ હરિભાઈએ પોલીસ ફરિયાદ કરતા કોડીનાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસીંગભાઇ ખુબ જ ઓછી જમીન ધરાવતા હોય ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા અને તેમને નાના ત્રણ સંતાનો છે. પરિવારમાં કમાવવા વાળુ બીજું કોઈ ન હોવાથી આવા સમયે અકસ્માત રૂપી કાળે ત્રણ સંતાનોની છત્ર છાયા છીનવી લેતા નાના એવા દેવળી ગામમાં શોક પ્રસરી ગયો છે.