- ધોકડવા ગામની ગીરગુંજન વિદ્યાલયમાં 50 બેડ સાથે ઉત્તમ સુવિધાયુક્ત કોવિડ કેર સેન્ટર શરૂ
- 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં હવે ગીરસોમનાથ જિલ્લો પણ જોડાયો
- દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા
ગીર સોમનાથઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાને નાથવા 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના તમામ ગામમાં 15 મે સુધી આ અભિયાન ચાલશે. આ અભિયાનને સાર્થક કરવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગની મદદથી કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ડિઝની વર્લ્ડનાં મિકી અને મિની માઉસ કોરોના દર્દીઓને મળવા પહોંચ્યા
ટૂંક સમયમાં વધુ 20 બેડની આવશ્યક સુવિધા ઉભી કરાશે
કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, ગામના આગેવાનો હાલની સ્થિતિને પહોંચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહ્યા છે. ગીરગઢડા તાલુકાનું ધોકડવા ગામ 'મારું ગામ કોરોનામુક્ત ગામ' બને તે દિશામાં આગળ વધતા ગામની ગીર ગુંજન વિદ્યાલયમાં 50 બેડ સાથેની ઉત્તમ સુવિધાયુક્ત કોવિડ સેન્ટર કાર્યરત કરાયું છે. આ સાથે જ નજીકના દિવસોમાં બીજા 20 બેડની આવશ્યક સુવિધા સાથે ઉભા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઓલપાડના સાયણમાં તાલુકાનું પ્રથમ કોવિડ આઇસોલેશન સેન્ટર કાર્યરત
કોવિડ કેર સેન્ટરમાં 40 દર્દી સારવાર હેઠળ છે
ગીર ગુંજન વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી દેવાયત વાઘમશીએ જણાવ્યું હતું કે, ડાહ્યાભાઈ જાલોંધરા ગુજ્જર, પીઠાભાઈ નકુમ, મનુભાઈ રામ, ભગાભાઈ કાછડ સહિત આસપાસના આગેવાનોના સહકારથી વિદ્યાલયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 3 MD ડોકટર્સ દરરોજ વિઝીટ લેવા આવે છે. 2 મેડિકલ ઓફિસર અને 6 નર્સિંગ સ્ટાફ સાથે આ સેન્ટરમાં દર્દીઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. અહીં 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 7 દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર લઈ રહ્યા છે. 10થી વધુ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.
દર્દીઓને ઉકાળાથી લઈ હળદરવાળું દૂધ આપવામાં આવે છે
ગામના સમાજસેવક મનિષ જાલોંધરાએ જણાવ્યું હતું કે, અમારું ગામ કોરોનામુક્ત ગામ બને એ દિશામાં આગળ ધપી રહ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં સવારે 7 વાગ્યે ઉકાળો, 8 વાગ્યે ચા-નાસ્તો, 10 વાગ્યે જ્યુસ, હળદરવાળું દૂધ અને 12 વાગ્યે આરોગ્ય સ્ટાફની દેખરેખ હેઠળ પૌષ્ટિક આહારની સેવા આખો દિવસ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ સાથે ગામમાં સેનિટાઇઝ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પૂરી તકેદારી રાખવામાં આવે છે.