- ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 20 ઉમેદવારી પત્રો ભરાયા
- આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાનું શરૂ
- ભાજપ દ્વારા હજુ કોઈ ઉમેદવારી નહીં
ગીર સોમનાથ: જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના ત્રીજા દિવસે તાલુકા પંચાયતમાં 4 અને પાલિકામાં 4 ઉમેદવારી પત્રો ભરીને રજૂ થયાનું જાણવા મળેલુ છે. જિલ્લા પંચાયતની 11- ધોકળવા બેઠક પર આમ આદમી પાર્ટીના 02 ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા, વેરાવળ નગરપાલિકામાં વૉર્ડ નંબર 06 અને 08માં આપના 02 ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા, તાલાલા નગરપાલિકામાં વૉર્ડ નંબર 01 અને 06માં કોંગ્રેસ પાર્ટીના 08 ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા, ઉના તાલુક પંચાયતની 09- કાજરડી બેઠક પર કોંગ્રેસ પાર્ટીના 03 ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા, ગીરગઢડા તાલુક પંચાયતની 02- બેડીયા બેઠક, 04-ધોકળવા બેઠક, 14-નાના સમઢીયાળા બેઠક, 15-નિતલી બેઠક, અને 16-પડાપાદર બેઠક પર આમ આદમી પાર્ટીના 05 ઉમેદવારોએ નામાંકન રજૂ કર્યા છે.
ચાર નગરપાલિકાઓના 32 વૉર્ડની 128 બેઠકોની ચૂંટણી યોજાનારી છે
જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકોની તથા છ તાલુકા પંચાયત 128 બેઠકો અને ચાર નગરપાલિકાઓના 32 વૉર્ડની 128 બેઠકોની ચૂંટણી યોજાશે. જેમાં ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે જિલ્લાની ગીરગઢડા તાલુકા પંચાયતની બેઠક માટે આપ પાર્ટીમાંથી રેખાભાઇ છબીલભાઇ ગજેરાએ અને ઉના તાલુકા પંચાયતની કાજરડી બેઠક માટે કોંગ્રેસમાંથી વનીતાબેન ભાયાભાઇ ચારણીયાએ (બે ફોર્મ) અને વશરામભાઇ દુઘાભાઇ ચારણીયાએ ફોર્મ ભરી રજૂ કર્યા છે. જયારે ચાર નગરપાલીકાઓ પૈકી વેરાવળ નગરપાલિકાની બેઠક માટે આપ પાર્ટીમાંથી આઇશા ઇકબાલ સુમરા અને જયોતિબેન વિજયભાઇ માવઘીયાએ તથા તલાલા પાલિકામાં કોંગ્રેસમાંથી શબાના અમીન સાયલી અને ગફારભાઇ નાથાભાઇ ચોટીયારાએ ઉમેદવારી ફોર્મ ભરી રજૂ કર્યા છે. આમ, ગુરૂવારના રોજ નગરપાલિકા માટે 4 અને તાલુકા પંચાયત માટે 4 મળી કુલ 8 ફોર્મ રજૂ થયા છે.
આપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાનુ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવા માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં હજુ સુસ્તીનો માહોલ જણાય છે. કારણ કે, બંન્ને મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીમાં અંતિમ દોરમાં ચાલી રહી છે. સંભવત: ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ શુક્ર- શનિના દિવસોમાં સંભવત: ઘસારો જોવા મળશે તેવી ધારણા તંત્ર સેવી રહ્યુ છે.